1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પંચમહાલના હાલોલ-તાજપુરમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પદવી એનાયત સમારોહ યોજાયો
પંચમહાલના હાલોલ-તાજપુરમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પદવી એનાયત સમારોહ યોજાયો

પંચમહાલના હાલોલ-તાજપુરમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પદવી એનાયત સમારોહ યોજાયો

0

ગાંધીનગરઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને સોમવારે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના તાજપુરા સ્થિત  નારાયણ આરોગ્ય અન્નપૂર્ણા ધામ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન  યુનિવર્સિટીના સંયુકત ઉપક્રમે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને વિદ્યાર્થીઓને પદવી એનાયત સમારોહ કાર્યક્રમ યોજાયો હતો.

પંચમહાલ ખાતે ખેડૂતોને સંબોધન કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિની તાતી જરૂરિયાત છે. દેશભરમાં પ્રાકૃતિક કૃષિને અપનાવવા અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે પ્રાકૃતિક કૃષિના ફાયદા અંગે રાજ્યપાલએ જણાવ્યું કે, આ એકમાત્ર ખેતી છે, જેનાથી જમીન ફળદ્રુપ અને નરમ બને છે. વરસાદી પાણી વધુ માત્રામાં જમીનમાં ઉતરે છે. ખેતીમાં વરસાદી પાણીથી થતું વ્યાપક નુકસાન અટકે છે. ખેતીના ખર્ચમાં ઘટાડો થાય છે જ્યારે આવકમાં વધારો થાય છે. તેમણે કુરુક્ષેત્ર સ્થિત પોતાના ખેતરોમાં કરવામાં આવતી પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોને માહિતી આપતાં કહ્યું કે, પોતે આ ખેતી અપનાવીને ધરતી માતાને ફળદ્રુપ બનાવી છે. ઉત્પાદનમાં વધારાની સાથે દેશને પોષણયુક્ત અનાજ-પાક મળે, ખેડૂતોની આવક વધે, લોકો તંદુરસ્ત બને તે માટેના પ્રયત્નો અને અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે. તેમણે હાલોલની ધરતીને વિશ્વની પ્રથમ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીની ભેટ મળી તે ગર્વની બાબત હોવાનું જણાવ્યું હતું.

રાસાયણિક ખેતી, જૈવિક ખેતી અને જંતુનાશક દવાઓના ઉપયોગથી ગ્લોબલ વોર્મિંગની નકારાત્મક અસરો અંગે વાત કરતાં રાજ્યપાલએ કહ્યું કે, આજે ધરતીના તાપમાનમાં વધારો નોંધાયો છે. રાસાયણિક ખાતર 24 ટકા ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર ગણાય છે. જંતુનાશક દવાઓના ઉપયોગથી વાદળોમાં પાણી સંગ્રહ કરવાની શક્તિ ઓછી થઈ છે, જેના કારણે ક્યાંક અચાનક ભારે વરસાદ તો ક્યાંક નહિવત વરસાદ વરસે છે. તાપમાન વધારા સાથે વાવાઝોડા, તોફાન,અનાવૃષ્ટિ વગેરેમાં પણ વધારો નોંધાયો છે. ઘટી રહેલાં કૃષિ ઉત્પાદન તેમજ સ્વાસ્થ્યપ્રદ જીવન માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર અસરકારક ઉપાય હોવાનું રાજ્યપાલએ જણાવ્યું હતું.

ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષથી વધુ અસરકારક રીતે પ્રાકૃતિક ખેતી અભિયાન ચાલી રહ્યું છે. આજે રાજ્યના 8.50 લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. રાજ્યપાલએ તાજેતરમાં પોતાના હરિયાણા સ્થિત ખેતરોની મુલાકાત લઈ ચૂકેલા રાજ્યના મુખ્ય સચિવ સહિત રાજ્યના તમામ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીઓને અનુરોધ કર્યો કે, સૌ સહભાગી બનીને પ્રાકૃતિક ખેતીના અભિયાનને આગળ ધપાવે.  તેમણે ગુજરાતની ભૂમિને રાસાયણિક ખાતરો અને દવાઓમાંથી હંમેશા મુક્તિ મળે તે દિશામાં કામ કરવા જણાવ્યું હતું. પ્રાકૃતિક પેદાશોને વેચવા પ્રત્યેક તાલુકા અને જિલ્લા કક્ષાએ વેચાણ માર્કેટની વ્યવસ્થા ઉભી કરાઈ રહી છે.

તેમણે ઉમેર્યું કે, જે રીતે જંગલનાં વૃક્ષોને કુદરતી રીતે જ પોષણ મળે છે, ત્યાં કોઈ પ્રકારના ખાતર વિના જ આપોઆપ ફળ આવી જાય છે. પ્રાકૃતિક ખેતીમાં પણ જીવામૃત અને ઘન જીવામૃત આધારિત કુદરતી પદ્ધતિઓ દ્વારા ખેતી પોષણક્ષમ તો બને જ છે, ખેડૂતોનો ખર્ચ પણ શૂન્ય થઈ જાય છે. દેશી ગાયના એક ગ્રામ ગોબરમાં 300 કરોડ સુક્ષ્મ જીવાણું હોય છે. ગાયના ગોબર અને ગોમૂત્ર આધારિત પ્રાકૃતિક ખેતીના કારણે પ્રથમ વર્ષથી જ પૂરેપૂરું ઉત્પાદન ખેડૂતોને મળે છે. એટલું જ નહીં, ખેડૂતોનો ખર્ચ પણ શૂન્ય થવાથી તેમની આવક બમણી કરવાનું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન પણ સિદ્ધ કરી શકાશે.

આ પ્રસંગે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર  ડૉ.સી.કે.ટિંબડિયાએ સ્વાગત પ્રવચન જ્યારે નારાયણ આરોગ્યધામના ટ્રસ્ટી રાજેશ રાજગોર દ્વારા આભારવિધિ રજૂ કરાઈ હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.