એપ્રિલમાં ખીલી ઉઠશે કુદરત: વિશ્વના આ 6 પ્રખ્યાત ફ્લાવર ફેસ્ટિવલ પ્રવાસીઓને કરી દેશે મંત્રમુગ્ધ
એપ્રિલ મહિનો એટલે વસંતનો પરાકાષ્ઠાનો સમય. શિયાળાની વિદાય અને ગરમીની શરૂઆત વચ્ચે ધરતી જાણે રંગબેરંગી ફૂલોની ચાદર ઓઢી લે છે. જો તમે પ્રકૃતિ પ્રેમી છો અને ફૂલોની સુગંધિત દુનિયામાં ખોવાઈ જવા માંગો છો, તો એપ્રિલ 2026 માં પ્રવાસ માટે આનાથી શ્રેષ્ઠ સમય બીજો કોઈ નથી. લદ્દાખના પહાડોથી લઈને જાપાનના બગીચાઓ સુધી, વિશ્વના ખૂણેખૂણે આ મહિને શાનદાર ‘ફ્લાવર ફેસ્ટિવલ્સ’ યોજાવા જઈ રહ્યા છે.
-
લદ્દાખનો એપ્લીકોટ બ્લોસમ ફેસ્ટિવલ (ભારત)
હિમાલયના ખોળે વસેલા લદ્દાખમાં 8 થી 16 એપ્રિલ દરમિયાન ‘ખુબાની’ (એપ્લીકોટ) ના ફૂલો ખીલી ઉઠશે. આ ફેસ્ટિવલ લદ્દાખના વિવિધ ગામોમાં યોજાય છે, જ્યાં આખું વાતાવરણ ગુલાબી અને સફેદ ફૂલોથી મશગૂલ થઈ જાય છે. અહીં પ્રવાસીઓને લદ્દાખી લોકસંગીત, પરંપરાગત નૃત્ય અને સ્થાનિક વાનગીઓનો લ્હાવો મળે છે.
- સકુરા ડિસ્પ્લે ફેસ્ટિવલ (સિંગાપોર)
સિંગાપોરના પ્રખ્યાત ‘ગાર્ડન્સ બાય ધ બે’માં જાપાનીઝ ચેરી બ્લોસમ (સકુરા) નું અદભૂત પ્રદર્શન યોજાય છે. આ વર્ષે તેની 11મી સીઝન 13 થી 15 એપ્રિલ દરમિયાન યોજાશે. આધુનિક ટેકનોલોજી દ્વારા કૃત્રિમ ઠંડા વાતાવરણમાં અસલી સકુરાના ફૂલો ઉગાડવામાં આવે છે, જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.
- ચેરી બ્લોસમ સીઝન (જાપાન)
જાપાનનો ચેરી બ્લોસમ ફેસ્ટિવલ, જેને સ્થાનિક ભાષામાં ‘સકુરા’ કહેવામાં આવે છે, તે વિશ્વભરમાં જાણીતો છે. એપ્રિલમાં આખું જાપાન ગુલાબી રંગમાં રંગાઈ જાય છે. અહીં ‘હનામી’ પરંપરા મુજબ લોકો ફૂલોના ઝાડ નીચે બેસીને પિકનિકની મજા માણે છે. કુદરતની આ સુંદરતા જોવા માટે લાખો પ્રવાસીઓ જાપાન પહોંચે છે.
- EPCOT ઇન્ટરનેશનલ ફ્લાવર એન્ડ ગાર્ડન ફેસ્ટિવલ (USA)
અમેરિકાના ફ્લોરિડામાં સ્થિત ડિઝની વર્લ્ડમાં આ ફેસ્ટિવલની શરૂઆત થઈ ચૂકી છે, જે 1 જૂન સુધી ચાલશે. અહીં ફૂલો અને પાંદડાઓમાંથી ડિઝનીના લોકપ્રિય પાત્રો (જેમ કે પ્રિન્સેસ, પિક્સર કેરેક્ટર) ની જીવંત પ્રતિકૃતિઓ બનાવવામાં આવે છે. આ સિવાય બટરફ્લાય ગાર્ડન બાળકો અને વયસ્કો બંને માટે આકર્ષક છે.
- ટ્યૂલિપ ફેસ્ટિવલ (એમ્સ્ટરડેમ)
નેધરલેન્ડની રાજધાની એમ્સ્ટરડેમ એપ્રિલ મહિનામાં ટ્યૂલિપના ફૂલોથી મહેકી ઉઠે છે. લાખોની સંખ્યામાં ખીલેલા રંગબેરંગી ટ્યૂલિપ્સ એક પેઇન્ટિંગ જેવો નજારો રજૂ કરે છે. આ ફેસ્ટિવલ આખા એપ્રિલ મહિના દરમિયાન માણી શકાય છે.
- આશિકાગા ફ્લાવર પાર્ક (જાપાન)
જાપાનનો આ પાર્ક તેના ‘વિસ્ટેરિયા’ ફૂલોની લટકતી વેલો માટે જગવિખ્યાત છે. જાંબલી, ગુલાબી અને સફેદ ફૂલોની કુદરતી સુરંગો અહીં જાદુઈ માહોલ બનાવે છે. આ ફેસ્ટિવલ 11 એપ્રિલથી 20 મે સુધી ચાલશે, જેમાં રાત્રિના સમયે ફૂલો પર થતી રોશની આ નજારાને વધુ અદભૂત બનાવે છે.


