
અમદાવાદઃ રાજ્યમાં આગામી દિવસોમાં નવરાત્રિ મહોત્સવનો ધાર્મિક માહોલમાં પ્રારંભ થશે. જેને લઈને ખેલૈયાઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ગરબા આયોજકો પણ ખાનગી ગરબા મહોત્સવની તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યાં છે. બીજી તરફ વિવિધ ધાર્મિક સ્થળો ઉપર પણ નવરાત્રિ પર્વની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવશે. તેમજ મંદિરોમાં ભક્તોના દર્શનને લઈને વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દરમિયાન સુપ્રસિદ્ધ ચોટીલા મંદિરમાં નવરાત્રિ દરમિયાન માતાજીના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તા. 22મી ઓક્ટબરના રોજ હવન યોજાશે.
નવરાત્રી દરમિયાન ચોટીલા ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. ચોટીલા ડુંગર ઉપર ચામુંડા માતાજી મંદિરે 15 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર સુધી નવરાત્રી દરમિયાન આરતી તેમજ હવન અને આઠમની પૂજા વિધી વગેરેના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.ચોટીલા ચામુંડા માતાજી મંદિરે 15મી ઓક્ટોબરના રોજ પ્રથમ નોરતા અને 22મી ઓક્ટોબરના રોજ આઠમ નોરતાની સવારની આરતી સવારે 4 કલાકે થશે. જ્યારે બાકીના 7 દિવસ સવારની આરતી 5 કલાકે થશે. નવરાત્રી દરમિયાન દરરોજ સાંજે આરતીનો સમય રાબેતા મુજબ સૂર્યાસ્ત સમયનો રહેશે. આ સાથે 22મી ઓક્ટોબરના રોજ ડુંગર ઉપર હવન થશે અને બપોરે 2:30 વાગ્યે બીડું હોમાશે. નવરાત્રી દરમિયાન હવાનાસ્ઠમી સિવાયના 8 નોરતાના દિવસે મંદિરના ભોજનલયમાં ભોજન-પ્રસાદનો સમય બપોરે 11થી 2 વાગ્યાનો રહેશે. જ્યારે હવાનાસ્ઠમીના દિવસે ભોજન-પ્રસાદનો સમય બીડું હોમાયા પછી બપોરે 2.45નો રહેશે.
નવરાત્રિ દરમિયાન શ્રદ્ધાળુઓની સુવિધાઓને લઈને પણ વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શ્રદ્ધાળુઓને અસુવિધા ન નડે તવુ આયોજન કરવામાં આવ્યું છે.