
નેપાળઃ નદીમાં ફસાયેલી બસો અને મુસાફરોને શોધવા NDRFએ કમાન્ડ સંભાળી
કઠમંડુઃ શુક્રવારની વહેલી સવારે ભારતથી આવી પહોંચેલી NDRF ટીમે ત્રિશુલી નદીમાં ફસાયેલી બે બસો અને ગુમ થયેલા મુસાફરો માટે સર્ચ ઓપરેશનની કમાન સંભાળી લીધી છે. ટીમે ચિતવનના સિમલતાલ પાસે બચાવ કામગીરી શરૂ કરી છે.
નેપાળ સરકારની ઔપચારિક વિનંતીને સ્વીકારીને, ભારત સરકારે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફોર્સ (NDRF) ના 12 સભ્યો મોકલ્યા છે. ચિતવન જિલ્લા મેજિસ્ટ્રેટ ઈન્દ્રદેવ યાદવે પુષ્ટિ કરી છે કે, ટીમ શનિવારે સવારે બચાવ કામગીરીની કમાન સંભાળશે.
ઉલ્લેખનીય છે કે હજુ સુધી બંને બસનો કોઈ પત્તો લાગ્યો નથી. બંને બસમાં 65 મુસાફરો સવાર હતા. શુક્રવાર સાંજ સુધી માત્ર 23 મુસાફરોના મૃતદેહ મળી શક્યા હતા.
અત્યાર સુધી બચાવ અભિયાનની કમાન સંભાળી રહેલા સશસ્ત્ર પોલીસ દળના ડીઆઈજી પુરુષોત્તમ થાપાએ જણાવ્યું હતું કે, મોટાભાગના મૃતદેહો 150 કિલોમીટર દૂરથી મળી આવ્યા છે.