IC-814 હાઇજેક અંગે આતંકી મસૂદ અઝહરનો નવો ઓડિયો સામે આવ્યો
નવી દિલ્હી 2 જાન્યુઆરી 2026: આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સરગના મસૂદ અઝહરનો એક ચોંકાવનારો ઓડિયો સંદેશ સામે આવ્યો છે. આ ઓડિયોમાં તેણે વર્ષ 1999ના કુખ્યાત IC-814 વિમાન હાઇજેક (કંધાર) કાંડ બાદ ભારતની જેલમાંથી પોતાની મુક્તિ વિશે અનેક ખુલાસા કર્યા છે. અઝહરે દાવો કર્યો છે કે તેને કોઈ પણ પ્રકારની તપાસ કે કાયદાકીય પ્રક્રિયા વગર સીધો વિમાનમાં બેસાડીને કંધાર મોકલી દેવામાં આવ્યો હતો.
વાયરલ ઓડિયોમાં મસૂદ અઝહરે જણાવ્યું હતું કે, “મને યાદ છે મારી મુક્તિ પહેલા દિલ્હીથી કેટલાક ઉચ્ચ અધિકારીઓ જેલમાં મને મળવા આવ્યા હતા. તેઓ મારી માનસિકતા તપાસવા માંગતા હતા કે જેલમાં રહ્યા પછી મારો જુસ્સો ખતમ થયો છે કે નહીં. તેમણે મને પૂછ્યું હતું કે શું કાશ્મીરમાં જેહાદ ખતમ થઈ જશે? મેં તેમને સ્પષ્ટ કહ્યું હતું કે 50 વર્ષ વીતી જાય તો પણ આ ખતમ નહીં થાય.”
પોતાની મુક્તિના દિવસને યાદ કરતા આતંકીએ ઓડિયોમાં જણાવ્યું છે કે, “અલ્લાહની મહેરબાની જુઓ, તત્કાલીન વિદેશ મંત્રી જસવંત સિંહ તે સમયે સતત 70 કલાક જાગતા રહ્યા હતા. ભારત સરકાર એટલી હદે ડરેલી હતી કે મારી કોઈ તપાસ કરવામાં આવી નહોતી. ન તો મારી પાસે વિઝા હતા, ન પાસપોર્ટ કે ન તો ઈમિગ્રેશનની કોઈ ઝંઝટ. મને સીધો વિમાનમાં બેસાડવામાં આવ્યો હતો. જોકે, તેમણે મારી આંખે પટ્ટી બાંધી હતી અને હાથમાં હથકડી પહેરાવી હતી.”
ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર 1999માં ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ IC-814 (કાઠમંડુથી દિલ્હી) નું હાઇજેક કરવામાં આવ્યું હતું. વિમાનમાં 180 જેટલા મુસાફરો સવાર હતા. આતંકીઓ વિમાનને અમૃતસર, લાહોર અને દુબઈ થઈને અફઘાનિસ્તાનના કંધાર લઈ ગયા હતા.
મુસાફરોનો જીવ બચાવવા માટે તત્કાલીન ભારત સરકારે મજબૂરીમાં ત્રણ આતંકીઓને મુક્ત કરવા પડ્યા હતા. આ આતંકીઓમાં મસૂદ અઝહર, અહમદ ઉમર સઈદ શેખ અને મુશ્તાક અહમદ ઝરગરનો સમાવેશ થાય છે. મુક્ત થયા બાદ મસૂદ અઝહરે પાકિસ્તાન જઈને જૈશ-એ-મોહમ્મદ નામનું ખુંખાર આતંકવાદી સંગઠન બનાવ્યું, જેણે ભારતીય સંસદ પર હુમલો (2001) અને પુલવામા હુમલો (2019) જેવા અનેક ઘાતક આતંકી હુમલાઓને અંજામ આપ્યો છે.
વધુ વાંચો: સુરતમાં દિશા ફાઉન્ડેશન દ્વારા ‘પબ્લિક લીડરશિપ કેમ્પ PLC 4.0’ નું આયોજન


