
અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારના લોકોને હવે મફતમાં હોસ્પિટલોમાં અદ્યતન તબીબી સારવાર પૂરી પાડવાના હેતુથી મણિનગરની એલજી અને સરસપુરની શારદાબેન એમ બે નવી હોસ્પિટલોના મકાનો અદ્યત્તન બનાવાશે. રૂપિયા 342 કરોડના ખર્ચે બંન્ને નવી હોસ્પિટલો બનાવવા માટેની દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી દીધી છે અને ટેન્ડર મંજૂર કરવામાં આવ્યા છે. આગામી 10 ઓક્ટોબર પહેલાં આ બંને હોસ્પિટલોનું ખાત મુહૂર્ત કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના મણિનગરમાં આવેલી શેઠ LG હોસ્પિટલ કેમ્પસમાં જૂની બે માળની બિલ્ડિંગનો કેટલોક ભાગ તોડી પાડી નવી મલ્ટી સ્ટોરીડ હોસ્પિટલ બનાવવામાં આવશે. મેડિકલ ઓથોરિટી, NMC/MCIની ગાઈડલાઈનને અનુસરીને સિવિલ, પ્લમ્બિંગ, ફાયર ફાઈટિંગ સિસ્ટમ સહિત રૂપિયા 164 કરોડના ખર્ચે નવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવામાં આવશે. હોસ્પિટલ બનાવવા માટેનો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે. બે બેઝમેન્ટ પાર્કિંગ અને 10 માળની 700 બેડની આ હોસ્પિટલ બનાવાશે.
જ્યારે શહેરમાં સરસપુર વોર્ડમાં હયાત શારદાબેન હોસ્પિટલના બદલે અશોક મિલ કમ્પાઉન્ડમાં નવી હોસ્પિટલ બનાવવા માટેનો કોન્ટ્રાક્ટર પણ આપી દેવામાં આવ્યો છે. સરસપુરમાં શારદાબેન હોસ્પિટલના હયાત બિલ્ડિંગના સ્થળે પર્યાપ્ત જગ્યા ન હોવા સહિતના કારણોસર અદ્યતન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવા માટે અશોક મિલ કમ્પાઉન્ડમાં નવી હોસ્પિટલનું બિલ્ડિંગ બનાવવા માટે ડિસેમ્બર 2019 માં AMC દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. મેડિકલ ઓથોરિટી, NMC/MCI ની ગાઈડલાઈનને અનુસરીને સિવિલ, પ્લમ્બિંગ, ફાયર ફાઈટિંગ સિસ્ટમ સહિત 6 માળની 1000 બેડની હોસ્પિટલ બનાવવામાં આવશે. આમ મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત બન્ને હોસ્પિટલોના બિલ્ડિંગ અદ્યત્તન બનાવવામાં આવશે, બન્ને હોસ્પિટલોના મકાનો બનાવવા માટેના કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યા છે. અને 10મી ઓક્ટોબર પહેલા ખાતમુહૂર્ત કરી દેવાશે.