1. Home
  2. ગુજરાતી
  3. બિહારના નાલંદામાં એનઆઈએના 10 સ્થળોએ દરોડા, હથિયાર તસ્કરીનો પર્દાફાશ
બિહારના નાલંદામાં એનઆઈએના 10 સ્થળોએ દરોડા, હથિયાર તસ્કરીનો પર્દાફાશ

બિહારના નાલંદામાં એનઆઈએના 10 સ્થળોએ દરોડા, હથિયાર તસ્કરીનો પર્દાફાશ

0
Social Share

પટના, 6 એપ્રિલ 2026: રાષ્ટ્રીય તપાસ એજન્સી એ સોમવારે બિહારના નાલંદા જિલ્લામાં 10 વિવિધ સ્થળોએ ગેરકાયદે હથિયારો અને દારૂગોળાની તસ્કરીના કેસમાં વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાં ફેલાયેલા આ મોટા હથિયાર તસ્કરી નેટવર્કને તોડી પાડવા માટે એનઆઈએની અનેક ટીમોએ સ્થાનિક પોલીસ સાથે મળીને શંકાસ્પદ ઠેકાણાઓ પર ત્રાટકી હતી.

એનઆઈએની તપાસમાં બહાર આવ્યું છે કે, આ સિન્ડિકેટ હરિયાણાની ગન ફેક્ટરીઓમાંથી ગેરકાયદેસર રીતે દારૂગોળો ખરીદતી હતી. આ દારૂગોળો પહેલા ઉત્તર પ્રદેશ મોકલવામાં આવતો હતો અને ત્યાંથી બિહાર સહિત દેશના અન્ય ભાગોમાં સપ્લાય કરવામાં આવતો હતો.

આ કેસમાં ગયા વર્ષે ડિસેમ્બર 2025માં મુખ્ય આરોપી કમલકાંત વર્મા ઉર્ફે ‘અંકલ જી’ની પટનાથી ધરપકડ કરવામાં આવી હતી. કમલકાંત આ ગેંગનો 11મો આરોપી અને મુખ્ય સૂત્રધાર માનવામાં આવે છે. તેની પૂછપરછમાં મળેલી વિગતોના આધારે આજે નાલંદામાં આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અગાઉ 4 ડિસેમ્બર 2025ના રોજ પણ એનઆઈએએ યુપી, બિહાર અને હરિયાણામાં 23 સ્થળોએ દરોડા પાડી રવિ રંજન, શશિ પ્રકાશ, વિજય કાલરા અને કુશ કાલરા જેવા આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

બીજી તરફ, દિલ્હીની વિશેષ એનઆઈએ અદાલતે બે બાંગ્લાદેશી નાગરિકોની કસ્ટડી વધુ 9 દિવસ માટે લંબાવી છે. રાહુલ ઉર્ફે ફૈઝલ કરીમ મસૂદ અને આલમગીર હુસૈન નામના આ બંને શખ્સો પર બાંગ્લાદેશી રાજકીય કાર્યકર શરીફ ઉસ્માન બિન હાદીની હત્યાનો આરોપ છે.

આ બંને આરોપીઓ મેઘાલય સરહદેથી ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસ્યા હતા અને પશ્ચિમ બંગાળના બોનગાંવથી બાંગ્લાદેશ પાછા ભાગવાની પેરવીમાં હતા ત્યારે માર્ચ મહિનામાં ઝડપાયા હતા. સુરક્ષાના કારણોસર તેમને NIA હેડક્વાર્ટર ખાતે વિશેષ ન્યાયાધીશ પ્રશાંત શર્મા સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે તેમની પૂછપરછ માટે વધુ રિમાન્ડ મંજૂર કર્યા છે. એનઆઈએની આ બેવડી કાર્યવાહી ઉત્તર ભારતમાં હથિયારોના સપ્લાય ચેઈનને તોડવા અને સરહદ પારથી થતી ગુનાહિત પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ ઈ-કોમર્સ કંપનીઓની મનમાની સામે CAIT આક્રમક: વેપારીઓના રક્ષણ માટે કડક કાર્યવાહીની માંગ

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code