
ગુજરાતમાં નીલગાયની વસતીમાં 117 ટકાનો વધારો, બનાસકાંઠામાં સૌથી વધારે નીલગાય
અમદાવાદઃ ગુજરાતમાં નીલગાયની વસતી છેલ્લાં દસ વર્ષમાં 117 ટકા વધી હોવાનું ગીર ફાઉન્ડેશનના સર્વેમાં જાણવા મળ્યું છે. રાજ્યમાં સૌથી વધારે નીલગાય બનાસકાંઠા, પાટણ અને અમરેલીમાં નોંધાઈ છે. આ ઉપરાંત રાજ્યના મોટાભાગ જિલ્લામાં નીલગાયની હાજરી જોવા મળી હોવાનું જાણવા મળે છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, તાજેતરમાં ગીર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલા સર્વે અનુસાર 2011માં 1,19,546 નીલગાયની સરખામણીએ 2,52,378 નીલગાય જોવા મળી હતી. 2011થી 2021 સુધીમાં કુલ ત્રણ વખત નીલગાયની વસતી ગણતરી કરવામાં આવી હતી. આ પહેલા સૌથી વધુ 56.23 ટકાનો વધારો 2011-15ના સરવેમાં જોવા મળ્યો હતો. 2015માં રાજ્યમાં નીલગાયની વસતી 1,86,770 નોંધાઈ હતી. જે ત્યાર બાદનાં પાંચ વર્ષમાં 34.6 ટકા વધી હતી. ગુજરાતમાં સૌથી વધુ 32,021 નીલગાય બનાસકાંઠા જિલ્લામાં નોંધાઈ હતી. 18,584 નીલગાય સાથે પાટણ બીજા નંબરે અને 16,295 નીલગાય સાથે અમરેલી ત્રીજા નંબરે છે.