તેલંગાણામાં મંદિરો પરના હુમલા મામલે નીતિન નબીનની કોંગ્રેસને ચેતવણી
હૈદરાબાદ, 5 ફેબ્રુઆરી 2026: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને તેલંગાણામાં વધતી જતી સાંપ્રદાયિક તંગદિલી અને મંદિરો પર થઈ રહેલા કથિત હુમલાઓને મુદ્દે કોંગ્રેસ સરકારને આડે હાથ લીધી છે. એક જનસભાને સંબોધતા તેમણે ગંભીર આરોપ લગાવ્યો હતો કે, રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં અનેક મંદિરોને નિશાન બનાવી તેને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે જો હિંદુ તહેવારો કે પરંપરાઓ પર પાબંદી લાદવામાં આવશે તો ભાજપના કાર્યકરો રસ્તા પર ઉતરીને જડબાતોડ જવાબ આપશે.
પોતાના સંબોધન દરમિયાન નીતિન નબીને જેગી ચેરલામાં ટોળા દ્વારા કરવામાં આવેલા હુમલા અને મુથયાલમ્મા મંદિરમાં થયેલી તોડફોડનો ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત, તેમણે ગાંધી નગર સ્થિત એક મંદિરને અપવિત્ર કરવાના પ્રયાસ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, “મને જે માહિતી મળી રહી છે તે અત્યંત ચિંતાજનક છે. કોંગ્રેસ નેતાઓ સાંભળી લે, સનાતન ભારતની પરંપરા છે, ઓળખ છે અને ભારતનો આત્મા છે. તેની સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ ચલાવી લેવામાં આવશે નહીં.”
નીતિન નબીને કોંગ્રેસ સરકારને આગાહ કરતા જણાવ્યું હતું કે, જો હિંદુ દેવી-દેવતાઓના સ્થાનોનું અપમાન કરવાનો પ્રયાસ થશે, તો ભાજપના કાર્યકરો કોઈપણ બલિદાન આપવા તૈયાર છે. જો તહેવારોની ઉજવણીમાં અવરોધ ઊભો કરવામાં આવશે, તો આ સરકાર લાંબો સમય ટકી શકશે નહીં. વિરોધ પક્ષ તરીકે ભાજપ ધાર્મિક સ્થળોની સુરક્ષામાં કોઈ પણ કચાશ સહન કરશે નહીં.
છેલ્લા કેટલાક સમયથી તેલંગાણામાં મંદિરો પરના હુમલાની ઘટનાઓને કારણે રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ સતત આક્ષેપ કરી રહ્યું છે કે વર્તમાન સરકાર ધાર્મિક સ્થળોની સુરક્ષા કરવામાં નિષ્ફળ રહી છે. નીતિન નબીનના આ નિવેદન બાદ રાજ્યમાં ધર્મ અને સંસ્કૃતિના મુદ્દે ફરી એકવાર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આમને-સામને જંગ જામવાની શક્યતા છે.
આ પણ વાંચોઃ હૈદરાબાદમાં હવે નશામાં વાહન ચલાવનારને હવે નોકરી ગુમાવવી પડશે


