
અમદાવાદઃ રાજ્યમાં શાળાઓમાં બિન શૈક્ષણિક કર્મચારીઓને બઢતી માટે ખાતકીય પરીક્ષા પાસ કરવી પડશે. હાલ બિન શૈક્ષણિક કર્મચારીઓને સિનિયોરિટીના આધારે પ્રમોશન આપવામા આવતું હતું, પરંતુ હવે ખાતાકીય પાસ કરી હોય તેમને જ પ્રમોશન આપવા માટે સૂચના આપવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગરમાં શિક્ષમ વિભાગના નાયબ નિયામકે રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર લખીને જણાવ્યું છે કે, રાજ્યની બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોના બિન શૈક્ષણિક કર્મચારીઓ માટે બઢતી આપવા માટે ખાતાકીય પરીક્ષા પાસ કરી હોવી જરૂરી છે. જિલ્લા શિક્ષણાધિકારીએ નિયમાનુસર ચકાસણી કરીને બઢતી આપવાની રહેશે. ઉમેદવારોને જુનિયર કારકુનથી સિનિયર કારકુન અને સિનિયર કારકુનથી મુખ્ય કારકુનમા બઢતી આપવા નિયમ મુજબ કાર્યવાહી કરવાની રહેશે. અત્યાર સુધી સિન્યોરિટીના આધારે બઢતી આપવામાં આવતી હતી, જે હવે નહિ આપી શકાય.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના શિક્ષણ વિભાગના આ નિર્ણયથી શાળાઓના બિન શૈક્ષણિક કર્મચારીઓમાં અસંતોષ ઊભો થયો છે. હાલ કર્મચારીઓને તેમની નોકરી અને સિનિયોરિટી મુજબ પ્રમોશન આપવામાં આવતુ હતું હવે કર્મચારીઓને પ્રમોશન માટે ખાતાકીય પરીક્ષા ફરજિયાત પાસ કરવી પડશે. રાજ્ય સરકારના કર્મચારીઓને સિનિયોરિટી મુજબ જ બઢતી આપવામાં આવે છે. તો શાળાઓના કર્મચારીઓને અન્યાય કેમ કરવામાં આવી રહ્યો છે. તે સમજાતું નથી. રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં બિન શૈક્ષણિક કર્મચારીઓની ભરતી પણ ઘણા વખતથી કરવામાં આવતી નથી, અને કર્મચારીઓ નિવૃત થતાં હોવાથી કર્મચારીઓની ઘટ ચાલી રહી છે. તેથી કર્મચારીઓ પર કામનું ભારણ પણ વધી રહ્યું છે. ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગ બિન શૈક્ષણિક કર્મચારીઓને સિનિયોરિટી મુજબ બઢતી આવવાની પ્રથા યથાવત રાખવાની માગ ઊઠી છે.