1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં હવે સવારના 7 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડશે
અમદાવાદમાં હવે સવારના 7 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડશે

અમદાવાદમાં હવે સવારના 7 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડશે

0
Social Share

અમદાવાદઃ શહેરમાં મેટ્રો ટ્રેનને પ્રવાસીઓનો સારોએવો પ્રતિસાદ મળી રહ્યો છે. પુરંતુ ટ્રેનની ફ્રિકવન્સી વધારવા અને સવારે 7 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડાવવાની માગ ઊઠી હતી. આથી મેટ્રો ટ્રેનના સત્તાધિશોએ સવારે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડાવવાનો નિર્ણય કરાયો છે. અગાઉ સવારનો મેટ્રો ટ્રેનનો સમય 9 વાગ્યાનો હતો, તેના બદલે હવે  સવારે 7 વાગ્યાનો કરવામાં આવ્યો છે. ૩૦ જાન્યુઆરીથી નવો સમય અમલી થશે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં દોડતી મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેથી હવે શહેરીજનોને મેટ્રો માટે વધારાનો સમય મળશે. ગુજરાત મેટ્રો રેલ કંપનીએ અમદાવાદ મેટ્રો ફેઝ-1નું સમયપત્રક હંગામી ધોરણે બદલવાનો નિર્ણય લીધો છે. હાલ મેટ્રોનું ટાઈમટેબલ સવારના 9થી રાત્રીના 8 વાગ્યા સુધીનું છે. ત્યારે નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓને સવલત રહે એટલા માટે ગુજરાત મેટ્રો રેલ દ્વારા આગામી 30 જાન્યુઆરીથી સમય મર્યાદા વધારવાનો નિર્ણય લેવામા આવ્યો છે. જેથી સવારના 9થી રાત્રીના 8 વાગ્યાની સમય મર્યાદા વધારીને સવારના 7થી રાત્રીના 10 વાગ્યા સુધી કરવાનો હંગામી ધોરણે નિર્ણય લેવામાં આવ્યો છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે,  શહેરીજનોની માગ જોતા પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં દર 18 મિનિટે મેટ્રો ટ્રેન દોડાવવામાં આવે છે. જ્યારે ઉત્તર અને દક્ષિણમાં દર 25 મિનિટે મેટ્રો ટ્રેન દોડાવવામાં આવી રહી છે. જો કે, મુસાફરોની સંખ્યા પીક અવરમાં વધારે હોવાથી એ સમયગાળા દરમિયાન દર 15 મિનિટના ગાળાએ મેટ્રો દોડાવવાની તૈયારી તંત્ર દ્વારા કરવામાં આવી છે. આ રીતે એક મહિના માટે ટ્રેન સેવા ચલાવીને ખરેખરની જરુરિયાત અંગે અભ્યાસ કર્યા બાદ આગળના ટાઈમટેબલનો નિર્ણય લેવામાં આવશે. અગાઉ એવા રિપોર્ટ પણ સામે આવ્યા હતા કે, એક તરફ મેટ્રો ટ્રેન ચલાવવા માટે રોજનો ખર્ચો કરોડોમાં આવે છે.  બીજી તરફ, ટિકિટ પેટે મેટ્રોને માંડ સાડા પાંચ લાખ રુપિયાની રોજની આવક મળે છે. રવિવાર કે રજાના દિવસોમાં મેટ્રોમાં 55 હજાર જેટલા પેસેન્જર મુસાફરી કરે છે, પરંતુ સામાન્ય દિવસોમાં આ આંકડો 35 હજાર કરતા પણ ઓછો છે. હાલ શહેરમાં દોડતી મેટ્રોની ફ્રિકવન્સી પણ અલગ અલગ છે, મતલબ કે જો પેસેન્જર એક ટ્રેન ચૂકી જાય તો બીજી ટ્રેન માટે તેને રાહ જોવી પડે છે. જેનાથી મુસાફરોને ખાસ્સી અગવડતા પડી રહી છે. એટલું જ નહીં, મેટ્રો જે સ્ટેશન પર ઉતારે છે ત્યાંથી પેસેન્જરને જે ચોક્કસ જગ્યા પર પહોંચવાનું છે તેની કનેક્ટિવિટી પણ યોગ્ય રીતે ઉપલબ્ધ નથી. જેના કારણે અનેક લોકો મેટ્રોમાં પ્રવાસ કરવાનું ટાળી રહ્યા છે. એટલું જ નહીં, પાર્કિંગ ફેસિલિટી ના હોવાના કારણે પણ ઘણા લોકો માટે મેટ્રો સ્ટેશન પહોંચવું અઘરું બની જાય છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code