1. Home
  2. ગુજરાતી
  3. પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે અધિકારીઓની બદલી કરાશે
પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે અધિકારીઓની બદલી કરાશે

પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે અધિકારીઓની બદલી કરાશે

0
Social Share

નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી 2026: દેશના પાંચ રાજ્યોમાં આગામી સમયમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભારતીય ચૂંટણી પંચે (ECI) તૈયારીઓના ભાગરૂપે વહીવટી સ્તરે મોટા ફેરફાર કરવાના નિર્દેશ આપ્યા છે. પંચે અસમ, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં ચૂંટણી કાર્ય સાથે સીધી રીતે સંકળાયેલા અધિકારીઓની બદલી કરવાના આદેશ જારી કર્યા છે.

ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે, જે અધિકારીઓ ચૂંટણી પ્રક્રિયા સાથે પ્રત્યક્ષ રીતે જોડાયેલા છે, તેમને તેમના વતનમાં અથવા એવા જિલ્લાઓમાં તૈનાત કરી શકાશે નહીં જ્યાં તેમણે છેલ્લા ચાર વર્ષમાંથી ત્રણ વર્ષની સેવા પૂર્ણ કરી હોય. આ નિયમ એવા અધિકારીઓને લાગુ પડશે જેઓ અસમ, કેરળ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં 31 મે 2026 અને પુડુચેરીમાં 30 જૂન 2026 સુધીમાં પોતાનો કાર્યકાળ પૂર્ણ કરી રહ્યા હોય.

ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને નિષ્પક્ષ રહે તે હેતુથી પંચ દ્વારા આ વર્ષો જૂની પરંપરા મુજબ બદલીના આદેશો આપવામાં આવ્યા છે. પંચે તમામ પાંચ રાજ્યોના મુખ્ય સચિવો અને મુખ્ય ચૂંટણી અધિકારીઓને પત્ર લખીને આ પ્રક્રિયા 27 ફેબ્રુઆરી 2026 સુધીમાં પૂર્ણ કરવા જણાવ્યું છે. એટલું જ નહીં, આ બદલીઓનું પાલન થયા અંગેનો રિપોર્ટ પણ નિયત સમયમર્યાદામાં રજૂ કરવા તાકીદ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ રાજ્યોની વિધાનસભાની મુદત મે અને જૂન 2026 માં પૂર્ણ થઈ રહી છે. પંચે વહીવટી તંત્રમાં કોઈ પણ પ્રકારના પક્ષપાત કે પ્રભાવને રોકવા માટે અત્યારથી જ કમર કસી છે. ખાસ કરીને કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર, પોલીસ અધિક્ષક (SP) અને ચૂંટણી સાથે સંકળાયેલા અન્ય અધિકારીઓ પર આ આદેશની સીધી અસર પડશે.

આ પણ વાંચોઃસોશિયલ મીડિયા પર AI ફોટો-વીડિયો પર વોટરમાર્ક ફરજિયાત, જાણો નવા નિયમો

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code