
અમદાવાદઃ શહેરમાં ઓલા અને ઉબેરના ટેક્સીચાલકો પ્રતિકિમી ભાડામાં વધારો કરવાની કંપની પાસે માગ કરી રહ્યા હતા. અને ટેક્સીચાલકો હડતાળ પર ઉતરતા સોમવારે મોડી રાત્રે ઓલા કંપની દ્વારા ડ્રાઇવરોની માંગને સ્વીકારી લેવામાં આવતા હડતાળ પાછી ખેંચી લીધી છે. ઓલા કંપની દ્વારા હવેથી ડ્રાઇવરોને પ્રતિ કિમી દીઠ 15 રૂપિયાના બદલે 17 રૂપિયા ભાડું ચૂકવવામાં આવશે એટલે કે પ્રતિ કિલોમીટર 2 રૂપિયાનો વધારો કર્યો છે. જ્યારે રેપિડોએ 20 રૂપિયા પ્રતિ કિલોમીટરની શરત મંજૂર કરતાં શાંતિપૂર્ણ રીતે હડતાળનો સુખદ અંત આવ્યો હતો. જ્યારે ઉબેર કંપનીના ટ્રેક્સી ડ્રાઇવરોને કંપની દ્વારા 30 ટકાના વધારાની ઓફર સ્વીકાર્ય ન હોવાથી હજુ પણ ઉબેરના ડ્રાઇવરોને ટેક્સી ન ચલાવવા માટે સમજાવવામાં આવી રહ્યા છે.
અમદાવાદ શહેરના રસ્તા ઉપર ઓલા-ઉબેર જેવી ઓનલાઈન એપ્લિકેશન દ્વારા ટેક્સી દોડે છે. આ સાથે જ સિટી ટેક્સીની પણ સુવિધા મુસાફરોને સહેલાઈથી મળી રહે છે. ઓટોરિક્ષા તો અમદાવાદની ઓળખ સમાન છે પરંતુ ઓનલાઇન એપ્લિકેશન દ્વારા ચાલતા ગેરકાયદેસર સફેદ નંબર પ્લેટવાળા ટુ-વ્હીલરના વિરોધમાં એરપોર્ટ ખાતે ઓટોરિક્ષાચાલકો અને ટેક્સીચાલકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જો કે, કંપની દ્વારા ટેક્સીચાલકોને વધુ ભાડું આપવાની વાત કરવામાં આવતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો. જેની સીધી અસર ઓલા અને ઉબેર ટેક્સી બુક કરીને મુસાફરી કરતા મુસાફરોને થશે. ઓલા કંપનીએ ડ્રાઇવરોને પ્રતિ કિમી દીઠ રૂ.17 ભાડું ચૂકવવાની શરતને મંજૂર કરી છે.
અમદાવાદના ઓલા અને ઉબરના ટેક્સીચાલકો ગઈકાલે મોડી સાંજે અમદાવાદ એરપોર્ટ ખાતે એકત્રિત થયા હતા. જેમાં ઓલા એપ્લિકેશન દ્વારા ટેક્સી ચલાવતા ડ્રાઇવરો દ્વારા હડતાળ પાછી ખેંચવામાં આવી છે. જ્યારે ઉબેર ટેક્સીચાલકો દ્વારા પણ હડતાળ પાછી ખેંચવામાં આવે તેવી શક્યતા છે. પરંતુ હજુ પણ આગેવાનો દ્વારા ઉબેર ટેક્સી ન ચલાવવા માટે ડ્રાઇવરોને સમજાવવામાં આવી રહ્યા છે. કારણ કે, ઉબેર એપ્લિકેશન દ્વારા કાર પ્રમાણે કિલોમીટર દીઠ રકમ ચૂકવવામાં આવતી હતી તેમાં કેટલીક ગાડીને 10, 12 કે 15 રૂપિયા પ્રતિ કિલોમીટર દીઠ રકમ ચૂકવવામાં આવતી હતી. જેની સામે કંપનીએ હાલમાં 30 ટકા વધારો કરીને રકમ ચૂકવવાની ડ્રાઇવરો સાથે વાત કરી છે. પરંતુ ટેક્સી ડ્રાઈવરોને તે મંજૂર ન હોવાથી હજુ પણ આગામી કેટલાક દિવસો સુધી મુસાફરોને ઉબેર ટેક્સી ન મળે અથવા તો ઓછી મળે તેવી શક્યતા છે. તેમ છતાં અન્ય ટેક્સીચાલકો દ્વારા જે ડ્રાઈવર ઉબેર ટેક્સીની રાઈડ લેશે તેને સમજાવવામાં આવશે.
ઓલા કંપની દ્વારા હવે ટેક્સી ડ્રાઇવરોને પ્રતિ કિલોમીટર દીઠ 17થી 20 રૂપિયા ભાડું ચૂકવવાની શરતને મંજૂર કરી છે. એટલે કે, જો ડ્રાઈવરને રૂ. 20 પ્રતિ કિમી ભાડું મળતું હોય તો પેસેન્જરને હવે એક સ્થળથી બીજા સ્થળે જવા માટે અગાઉ કરતાં વધુ ટેક્સી ભાડું ચૂકવવું પડશે. કારણ કે, તેની ઉપર ડ્રાઇવરો દ્વારા જીએસટી સહિતના વિવિધ ટેક્સ લાદવામાં આવે છે. આખરે મુસાફરોના ખભા ઉપર જ ભાવવધારાનું ભારણ રહેશે અને મુસાફરોએ વધુ રકમ ચૂકવવી પડશે.