ઓમર અબ્દુલ્લાએ પાકિસ્તાનને ઓપરેશન સિંદૂરની યાદો તાજી કરાવી
શ્રીનગર, 8 એપ્રિલ 2026: જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફના વિવાદાસ્પદ નિવેદન પર આકરા પ્રહાર કર્યા છે. ઓમર અબ્દુલ્લાએ પાકિસ્તાનને પરામર્શ આપતા કહ્યું કે, પાકિસ્તાને કોલકાતા સુધી પહોંચવાની વાતો છોડી દેવી જોઈએ, કારણ કે ગયા વર્ષે ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન તેઓ દિલ્હી સુધી પણ પહોંચી શક્યા નહોતા.
ગત 4 એપ્રિલના રોજ પાકિસ્તાની રક્ષા મંત્રી ખ્વાજા આસિફે ભારતને ધમકી આપતા કહ્યું હતું કે, ભવિષ્યમાં કોઈ પણ સંઘર્ષ માત્ર સરહદ સુધી સીમિત નહીં રહે પરંતુ તે ભારતના આંતરિક ભાગો સુધી પહોંચી શકે છે. તેમણે કોલકાતાને સંભવિત લક્ષ્ય ગણાવતા ‘ફોલ્સ ફ્લેગ’ ઓપરેશનની પણ આશંકા વ્યક્ત કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે જો ભારત કોઈ ખોટું ઓપરેશન કરવાનો પ્રયાસ કરશે તો પાકિસ્તાન કોલકાતા સુધી વળતો પ્રહાર કરશે.
મીડિયા સાથેની વાતચીતમાં ઓમર અબ્દુલ્લાએ પાકિસ્તાનને આઈનો બતાવતા કહ્યું કે, “ઓપરેશન સિંદૂરને હજુ એક વર્ષ પણ થયું નથી. તેમણે યાદ કરવું જોઈએ કે તે સમયે તેમની શું હાલત હતી. કોલકાતાની વાત તો છોડો, તેઓ દિલ્હી સુધી પણ નહોતા પહોંચી શક્યા. કોઈક રીતે જમ્મુ સુધી આવ્યા પણ કોઈ મોટું નુકસાન કરી શક્યા નહીં. દેશની રાજધાની સુધી તો પહોંચી શક્યા નથી, મને લાગે છે કે કોલકાતા પહોંચવાનું સપનું તેમણે ભૂલી જવું જોઈએ.”
મુખ્યમંત્રીએ પાકિસ્તાનની કથળતી આર્થિક સ્થિતિ પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, “અમે કોઈ ઈન્ટરનેશનલ એરલાઈનને એવું નથી કહ્યું કે અમારી પાસે તેલ નથી. બીજી તરફ પાકિસ્તાનની હાલત જુઓ, તેમણે એરલાઈન્સને કહ્યું છે કે તમે શોખથી આવો પણ તેલ ભરાવીને આવજો, અમે તમને તેલ આપી શકીએ તેમ નથી. આ તેમની વાસ્તવિકતા છે. કોલકાતાના સપના જોવાને બદલે પાકિસ્તાન પોતાની આંતરિક હાલત સુધારવા પર ધ્યાન આપે તો વધુ સારું રહેશે.”
અબ્દુલ્લાએ વધુમાં ઉમેર્યું હતું કે ભારત સાથે સંબંધો સુધારવામાં જ પાકિસ્તાનનું હિત છે. ખરાબ સંબંધોની અસર ભારત કરતા પાકિસ્તાન પર વધુ પડે છે, તેથી ટકરાવને બદલે વાતચીત અને સુધારા પર ધ્યાન આપવું જોઈએ. ગયા વર્ષે 22 એપ્રિલના રોજ પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાનો બદલો લેવા માટે ભારતીય સેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં ‘ઓપરેશન સિંદૂર’ હાથ ધર્યું હતું. આ ઓપરેશનમાં મિસાઈલ અને ડ્રોન હુમલા દ્વારા 100થી વધુ આતંકવાદીઓનો સફાયો કરવામાં આવ્યો હતો, જેની સામે પાકિસ્તાનના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા.


