
અમદાવાદઃ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં બે વર્ષ પહેલાં મર્જ કરાયેલા બોપલ અને ઘુમા વિસ્તારમાં છેલ્લા છ મહિનાથી સફાઈનો પ્રશ્ન વિકટ બન્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં અવારનવાર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરથી લઈ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓને બોપલ વિસ્તારમાં સફાઈ માટે વારંવાર સૂચના આપવામાં આવે છે, છતાં પણ યોગ્ય રીતે સફાઈ અને સફાઈ કામદારોનો પ્રશ્નનો નિકાલ કરવામાં આવતા નથી, મ્યુનિના અધિકારીઓ પદાધિકારીઓને પણ ગાંઠતા નથી. તાજેતરમાં મળેવી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ચેરમેન હિતેશ બારોટ નારાજ થયા હતા. તેમણે અધિકારીને સ્પષ્ટ સંભળાવી દીધું હતું કે, બોપલ અને ઘુમાં વિસ્તારમાં સફાઈના પ્રશ્નનું ત્રણ દિવસમાં નિરાકરણ નહીં આવે તો ચેરમેન સહિત સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો બોપલમાં જ ઉપવાસ પર ઉતરશે.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના બોપલ અને ઘુમા વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની નબળી કામગીરીને લઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ અધિકારી પર ગુસ્સે ભરાયા હતા અને તેમણે અધિકારીઓને ખખડાવતા જણાવ્યું હતું કે, બોપલ અને ઘુમા વિસ્તારમાં ડોર ટુ ડોર કચરો ઉપાડવા અને રોડ પર સફાઈ મામલે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા સુચના આપવામાં આવે છે.છતાં તેનું નિરાકરણ કરાયું નથી. સફાઈ માટેના કામદારોનો જે પ્રશ્ન છે તેને ઉકેલી અને ઝડપથી આ વિસ્તારમાં સફાઈ થાય તેના માટે અવારનવાર સૂચના આપવા છતાં પણ છેલ્લા એક વર્ષથી યોગ્ય રીતે કામગીરી થઈ નથી. સ્ટેન્ડિંગ કમિટીમાં મ્યુનિસિપલ કમિશનરની હાજરીમાં હિતેશ બારોટે અધિકારીઓને ખખડાવતા જણાવ્યું હતું કે, જો ત્રણ દિવસની અંદર બોપલ અને ઘૂમા વિસ્તારમાં સફાઈના પ્રશ્નનું કોઈ પણ પ્રકારનું નિરાકરણ નહીં આવે તો મારા સહિત મારા સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો બોપલ વિસ્તારમાં ઉપવાસ પર ઉતરી જશે.
અત્રે ઉલ્લેખનીય છે કે બોપલ અને ઘુમા વિસ્તારમાં ગંદકી અને સફાઈને લઈ અને અવારનવાર લોકો દ્વારા ફરિયાદો કરવામાં આવે છે છતાં પણ મ્યુનિ. કોર્પોરેશન તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી. જેના કારણે છેવટે ભાજપના સત્તાધીશોએ હવે અધિકારીઓને ઉપવાસ પર ઉતરવાની ચીમકી આપવી પડી છે.