
રાજકોટ અગ્નિકાંડમાં વધુ એક આરોપીની અટકાયત
અમદાવાદઃ રાજકોટ ગેમિંગ ઝોન અગ્નિકાંડમાંબનાસકાંઠા એલસીબીની અને રાજકોટ પોલીસની ટીમ દ્વારા વધુ એક આરોપીની અટકાયત કરવામાં આવી છે . LCBએ આબુ રોડ પરથી ધવલ ઠક્કરને ઝડપી પાડ્યો છે. ટીઆરપી ગેમઝોનમાં આગ લાગ્યા બાદ આરોપી ફરાર થયો હતો. ગેમઝોનના માલિકે ધવલ ઠક્કરના નામે લાયસન્સ લીધુ હતું. લોકલ ક્રાઈમ બ્રાંચની તપાસમાં આરોપી ધવલ ઠક્કરે આ અંગે કબૂલાત કરી હતી.
રાજકોટમાં શનિવાર (25મી મે)એ નાના મવા રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી હતી. જેમા 32 જેટલાં લોકોના મોત થયા છે. અગાઉ ત્રણ આરોપીઓને 14 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યા છે. ત્યારે ચોથા આરોપીની રાજસ્થાનના આબુરોડથી અટકાયત કરવામાં આવી છે. રાજકોટ અગ્નિકાંડની ઘટનામાં છ સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જેમાં બે આસિસ્ટન્ટ એન્જિનિયર, બે ડેપ્યુટી એન્જિનિયર અને બે પોલીસ ઈન્સપેક્ટરનો સમાવેશ થાય છે.
રાજકોટના ગેમિંગ ઝોનમાં સર્જાયેલી દુર્ઘટનાને પગલે ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવી તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. તેમજ સમગ્ર ઘટનાનું નિરીક્ષણ કરીને જવાબદારો આકરી કાર્યવાહીની ખાતરી આપી હતી. બીજી તરફ આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ઉગ્રરોષ ફેલાયો છે. તેમજ આરોપીઓ સામે આકરી કાર્યવાહી કરવાની માંગણી કરી રહ્યાં છે. રાજ્યની વડી અદાલતે પણ રાજકોટ અગ્નિકાંડની ગંભીર નોંધ લઈને સુઓમોટો દાખલ કરીને સુનાવણી હાથ ધરી હતી. જેમાં તંત્રની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હોવાનું જાણવા મળે છે.