
ઉત્તરપ્રદેશમાં CM યોગીના શાસનમાં વધુ એક શહેરનું નામ બદવાશે, મિયાંગંજનું નામ માયાગંજ કરાશે
દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના શાસનમાં કેટલાક શહેરોના નામ બદલવામાં આવ્યાં છે. દરમિયાન ઉન્નાવ જિલ્લાના મિયાંગંજ ગ્રામ પંચાયતનું નામ બદલવા માટેનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. મિયાંગંજનું નામ બદલીને માયાગંજ કરવાની માંગણી કરાઈ છે. તાજેતરમાં જ અલીગઢ અને મૈનપુરીના નામ બદલવાનો પ્રસ્તાવ પાસ કરીને સરકારને મોકલી આપવામાં આવ્યો હતો. હવે વધુ એક ગ્રામ પંચાયતનું નામ બદલવાનો પ્રસ્તાવ પાસ કરીને મોકલવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઈને વિવિધ રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ ગત વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં યોગી આદિત્યનાથે મિયાંગંજનું નામ માયાગંજ કરવાનું વચન આપ્યું હતું. દરમિયાન ઉન્નાવના જિલ્લાધિકારી રવીન્દ્ર કુમારે મિયાંગંજનું નામ બદલીને ‘માયાગંજ’ કરવાની કાર્યવાહી પૂરી કરીને પ્રસ્તાવ મોકલી આપ્યો છે. ડીએમ રવીન્દ્ર કુમારે પંચાયત રાજના મુખ્ય સચિવને આ અંગેનો રિપોર્ટ મોકલી આપ્યો છે.
ઉન્નાવના ડીએમ દ્વારા 24 ઓગષ્ટની તારીખવાળો જે પત્ર અપર મુખ્ય સચિવને મોકલવામાં આવ્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે, વિકાસ ખંડ મિયાંગંજનું નામ બદલવાનો પ્રસ્તાવ પંચાયત સ્તરે પસાર થઈ ચુક્યો છે. જેથી આ પ્રસ્તાવ પર આગળની કાર્યવાહી કરવામાં આવે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં અલીગઢનું નામ બદલીને હરિગઢ અને મૈનપુરીનું નામ બદલીને મયનઋષિ કરવાનો પ્રસ્તાવ પાસ કરીને સરકારને મોકલી આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઉત્તરપ્રદેશમાં ભાજપના શાસનમાં અનેક શહેરો અને મુખ્ય સ્થળોના નામ બદલવામાં આવ્યાં છે.