
CM ઠાકરેને નારાજ ધારાસભ્યનો ખુલ્લો પત્ર લખી વેદના વ્યક્ત કરી, કોંગ્રેસ-NCPની કાર્ય પદ્ધતિથી નારાજગી વ્યક્ત કરી
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર સામે સંકટ વધારે ઘેર બન્યું છે. બીજી તરફ શિવસેનાના ધારાસભ્ય એકનાથ શિંદે સહિતના ધારાસભ્યોએ ગુવાહાટીમાં ધામા નાખ્યાં છે. ગઈકાલે સીએમ ઠાકરેએ સોશિયલ મીડિયા મારફતે નારાજ ધારાસભ્યોને લઈને ભાવનાત્મક નિવેદન આપ્યું હતું. દરમિયાન શિવસેનાના નારાજ ધારાસભ્ય સંજય સિરસાદએ સીએમ ઠાકરેને ખુલ્લી ચિઠ્ઠી લખી હતી. તેમજ શિંદેએ આ ચીઠ્ઠી ટ્વીટ કરી હતી. આ ચિઠ્ઠીમાં પોતાની વેદના ઠાલવી હતી. આ ઉપરાંત સીએમ ઠાકરે, કોંગ્રેસ અને એનસીપીની કાર્ય પદ્ધતિ સામે નારાજગી વ્યક્ત કરી હતી.
ही आहे आमदारांची भावना… pic.twitter.com/U6FxBzp1QG
— Eknath Shinde – एकनाथ शिंदे (@mieknathshinde) June 23, 2022
ખુલ્લા પત્રમાં લખ્યું છે કે, છેલ્લા બે વર્ષથી વધારે સમયથી સીએમ હાઉસ વર્ષાના દરવાજા અમારા માટે બંધ હતા. અમે સીએમને મળવાની ઈચ્છા વ્યક્ત કરતા ત્યારે તેમની આસપાસના લોકો અમને મળવા દેતા ન હતા. એટલું જ નહીં તેઓ આ સમયગાળામાં અમને મળ્યા નથી, બીજી તરફ કોંગ્રેસ અને એનસીપીના ધારાસભ્યો કોઈ પણ અડચણ વિના સીએમ હાઉસમાં પ્રવેશી શકતા હતા. એટલું જ નહીં પોતાના વિસ્તારમાં વિવિધ કામ માટે ફંડ પણ મેળવતા હતા. અમારી સમસ્યાને આપણે ક્યારેય સાંભળી નથી, આ સમયે એકનાથ શિંદેએ જે તે વખતે મદદ કરી હતી અને તેમના ઘર અને ઓફિસના દરવાજા અમારા માટે ખુલ્લા રહેતા હતા. સીએમ ઓફિસમાં પણ અમને તેમને મળવાનું સૌભાગ્ય મળ્યું નથી.
તેમજ વધુમાં કહ્યું કે, હિન્દુત્વ, રામ મંદિર સહિતના મુદ્દા શિવસેનાના મહત્વાના મુદ્દા હતા. આદિત્ય ઠાકરે તાજેતરમાં અયોધ્યા ગયા હતા. જો કે, અમને અયોધ્યા જતા અટકાવવામાં આવ્યાં હતા. જે લોકો અયોધ્યા પહોંચ્યાં હતા તેમને પણ ફોન કરીને પરત બોલાવી લેવામાં આવ્યાં હતા. અમને પણ અયોધ્યામાં દર્શન કરવાની ઈચ્છા હતી. ઉદ્ધવ ઠાકરેનું નિવેદન ભાવનાત્મક હતું પરંતુ અમારી સમસ્યાનો આપના નિવેદનમાં કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.