
ઓપરેશન કાવેરી: 186 મુસાફરોને લઈને 9મી ફ્લાઈટ જેદ્દાહથી ભારત માટે થઈ રવાના
દિલ્હી :સુદાનમાં સર્જાયેલી આંતરિક યુદ્ધની સ્થિતિમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલું ઓપેરેશન કાવેરી લોકો માટે દેવદૂત સાબિત થયું છે. હિંસાગ્રસ્ત સુદાનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવાની કામગીરી ભારતે ચાલુ રાખી છે. જેદ્દાહથી 9મી ફ્લાઈટ 186 મુસાફરોને લઈને ભારત જવા રવાના થઈ છે. આ પહેલા રવિવારે અભિયાન હેઠળ 229 લોકોના અન્ય જૂથને ઘરે લાવવામાં આવ્યા હતા. આ લોકો બેંગ્લોર પહોંચ્યા.
આના એક દિવસ પહેલા સુદાનથી 365 લોકો દિલ્હી પહોંચ્યા હતા. વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટ કર્યું કે, ‘ઓપરેશન કાવેરી’ હેઠળ બીજી ફ્લાઈટ 229 મુસાફરોને બેંગલુરુ લઈ આવી. સ્થળાંતર અભિયાનના ભાગરૂપે, શુક્રવારે 754 લોકો બે જૂથોમાં ભારત પહોંચ્યા હતા. સત્તાવાર આંકડાઓ અનુસાર, સુદાનમાંથી અત્યાર સુધીમાં 1,954 લોકોને સ્વદેશ મોકલવામાં આવ્યા છે.
‘ઓપરેશન કાવેરી’ હેઠળ ભારત શરણાર્થીઓને સાઉદી અરેબિયાના જેદ્દાહ શહેરમાં લઈ જઈ રહ્યું છે, જ્યાંથી તેમને વતન લાવવામાં આવી રહ્યા છે. કુલ 360 નાગરિકોના પ્રથમ જૂથને બુધવારે કોમર્શિયલ ફ્લાઈટ દ્વારા નવી દિલ્હી લાવવામાં આવ્યો હતો. બીજા જૂથમાં, બીજા જ દિવસે, ભારતીય વાયુસેનાના C-17 ગ્લોબમાસ્ટર એરક્રાફ્ટ દ્વારા 246 નાગરિકોને મુંબઈ લાવવામાં આવ્યા હતા.