
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી કર્મચારી તરીકે ફરજ બજાવી રહેલા 120 જેટલા બિન શૈક્ષણિક કર્મચારીઓના પ્રમોશન સંભવત: અટકી પડે તેવી સ્થિતિ સર્જાતા કર્મચારીઓએ એકઠા થઈને કુલપતિને ઉગ્ર રજૂઆતો કરી હતી. આ મામલે બિન શૈક્ષણિક કર્મચારી સંગઠનની કારોબારીની બેઠકમાં પણ ચર્ચા થઈ હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યની યુનિવર્સિટીઓમાં નાણાકિય અનિયમિતતા અને ગેરરીતિ થતી હોવાની ફરિયાદો ઉઠ્યા બાદ રાજ્ય સરકારે તમામ સરકારી યુનિવર્સિટીને પરિપત્ર કરીને નવી ભરતી, બજેટ સહિતના કેટલાક મહત્ત્વના મુદ્દા બાબતે સરકારની મંજૂરી લઈને આગળ વધવાની સૂચના આપી હતી. દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કેટલાક કાયમી બિનશૈક્ષણિક કર્મચારીઓનું પ્રમોશન થવા ડ્યુ થયુ હતું. ત્યારે મહેકમ વિભાગ દ્વારા આ પ્રમોશન આપવા બાબતે રાજ્ય સરકારની મંજૂરી લેવા પત્ર તૈયાર કર્યો હતો. તેમાં સહિ-સિક્કા થવાની વાર હતી અને આ પ્રક્રિયા બાદ પત્ર સરકારમાં જમા થવાનો હતો. તે પહેલા મોડી સાંજે આ પત્ર બિનશૈક્ષણિક કર્મચારીઓનાં ધ્યાને આવતા કર્મચારીઓ ચોંકી ગયા હતા. આ વહીવટી પ્રક્રિયા હોવાથી કુલપતિ તેનાથી અજાણ હતા.
સૌરાષ્ટ્ર યુનિના કર્મચારીઓએ કુલપતિને એવી રજુઆત કરી હતી કે, કાયમી કર્મચારીઓના પ્રમોશન નિયમિત પ્રક્રિયાનો ભાગ છે અને તેમાં સરકારની મંજૂરી લેવાની જરૂર નથી. બિનશૈક્ષણિક કર્મચારી સંગઠનના પ્રમુખ જેન્તીભાઈ શેરસિયા, કારોબારી સભ્યો ઈન્દુભા ઝાલા, રણજિતસિંહ ચાવડા, વીરલ પરમાર, આશિષ વ્યાસ વગેરેએ કુલપતિ સમક્ષ રજૂઆત કરી આ પત્ર સરકારમાં મોકલાવતા અટકાવવા માગ કરી હતી. દરમિયાન સૂત્રોએ જણાવ્યું હતું કે કાયમી કર્મચારીઓને નિયમ મુજબ પ્રમોશન આપવું એ નિયમિત પ્રક્રિયા છે એમાં સરકારની મંજૂરી લેવાની જરૂર હોતી નથી, જો આ પત્ર સરકારમાં પહોંચે અને તેનો જવાબ ન આવે ત્યાં સુધી કર્મચારીઓએ રાહ જોવાની રહે. સરકારમાં ઘણી પ્રક્રિયા લાંબો સમય માગી લે છે ત્યારે આટલો સમય સુધી કર્મચારીઓ પ્રમોશનના લાભથી વંચિત રહે, કેટલાક નિવૃત્ત પણ થઈ જાય. આવી સ્થિતિ ટાળવા રજૂઆત કરાઈ હતી સાથે મહેકમ વિભાગના અધિકારીની બદલીની માગ કરાઈ હતી.