સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતા બે દિવસ તમામ મોલ બંધ રાખવા આદેશ
અમદાવાદઃ સુરતમાં કોરોનાના કેસમાં ફરી એકવાર ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. જેથી સુરતમાં કોરોનાનું સંક્રમણ વધારે ન વકરે તે માટે બે દિવસ માટે તમામ મોલને બંધ રાખવા માટે મ્યુનિસપલ કોર્પોરેશને આદેશ કર્યો હતો. જેથી આજે તમામ મોલ બંધ રહ્યાં હતા. તેમજ આવતીકાલે પણ તમામ મોલ બંધ રહેશે. આ ઉપરાંત ટેક્સટાઈલ્સ માર્કેટમાંથી કોરોના વાયરસના પોઝિટિવ કેસ મળી આવતા 3 માર્કેટ બંધ કરવામાં આવ્યાં હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં કોરોના ની સ્થિતિ ફરી એકવાર બગડી છે અને વધતા જતા કોરોના ના કેસો ને લઈ હવે તંત્ર એલર્ટ થઈ ગયું છે અને શનિ-રવિના દિવસે મોલ બંધ રાખવા કોર્પોરેશન દ્વારા આદેશ કરાયો છે. સુરત ના ટેક્ષટાઇલ માર્કેટ વિસ્તારમાં 17 પોઝિટિવ કેસો મળ્યા છે. જેથી 3 ટેક્ષટાઇલ માર્કેટસ બંધ કરાવવામાં આવી છે.
સુરતમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા સઘન ટેસ્ટિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે આ ઉપરાંત શહેરના વિવિધ ધનવંતરી રથ દોડતા કરવામાં આવ્યાં છે. તેમજ રેલવે સ્ટેશન ઉપર કોરોના ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યું છે. આમ સુરત માં કોરોના નું સંક્રમણ વધતા હવે તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવી રહ્યા છે. તંત્ર દ્વારા સુરતના શહેરીજનોને કોરોનાની સરકારી ગાઈડલાઈનનું પાલન કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે. તેમજ માસ્ક સહિતના નિયમોનું પાલન નહીં કરનારાઓ સામે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા સ્કૂલમાં પણ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિતના સ્ટાફનું કોરોના ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે.
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

