Homeગુજરાતીદેશ-વિદેશપાક. સરહદે મોટા ડ્રોન સુરક્ષા એજન્સીઓ માટે બન્યા મોટો પડકાર, હેરોઈન-શસ્ત્રોની હેરાફેરી...

પાક. સરહદે મોટા ડ્રોન સુરક્ષા એજન્સીઓ માટે બન્યા મોટો પડકાર, હેરોઈન-શસ્ત્રોની હેરાફેરી વધી

નવી દિલ્હી, 20 ઓક્ટોબર 2026: ભારત-પાકિસ્તાન સરહદ પર સુરક્ષા એજન્સીઓ માટે મોટા કદના ડ્રોન એક નવી અને ગંભીર ચિંતા બનીને ઉભરી આવ્યા છે. પાકિસ્તાનના કસૂર અને સુલેમાન ક્ષેત્રમાંથી આ ડ્રોન ઉડાડવામાં આવી રહ્યા છે, જ્યાંથી જ હેરોઈન અને શસ્ત્રો કયા સ્થળે પાડવા તે નક્કી કરવામાં આવે છે. અગાઉ સરહદ પર નાના ડ્રોન મોકલવામાં આવતા હતા, પરંતુ હવે મોટા ડ્રોન આંતરરાષ્ટ્રીય સરહદ ઓળંગીને પંજાબના ગામડાઓમાં 10 થી 20 કિલોમીટર અંદર સુધી ઘૂસીને હેરોઈન અને હથિયારોની ખેપ ઉતારી રહ્યા છે. એટલું જ નહીં, આ ખેપ પહોંચાડ્યા બાદ ડ્રોન હેમખેમ પાકિસ્તાન પરત ફરી રહ્યા હોવાની વાત પણ સામે આવી છે.

15 દિવસ દરમિયાન ફિરોઝપુર વિસ્તારના ત્રણ અલગ-અલગ ગામોમાંથી મોટા ડ્રોન દ્વારા પહોંચાડવામાં આવેલી હેરોઈનની 3 મોટી ખેપ પકડાતા સુરક્ષા એજન્સીઓની ચિંતામાં વધારો થયો છે. તાજેતરના કિસ્સાઓમાં પધરી ગામમાંથી 20 કિલોથી વધુ, અલીકેમાંથી અંદાજે 10 કિલો અને આરિફકે વિસ્તારમાંથી 10 કિલોથી વધુ હેરોઈન મળી આવ્યું છે. આ ઘટનાઓ સ્પષ્ટ સંકેત આપે છે કે સીમા પારથી નશીલા પદાર્થોની તસ્કરી માટે હવે વધુ ક્ષમતાવાળા અત્યાધુનિક ડ્રોનનો ઉપયોગ થઈ રહ્યો છે.

  • પાકિસ્તાની સરહદ પર આવેલા સરકંડાના ઘાટ જંગલો તસ્કરો માટે કવચ

ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર, ફિરોઝપુર સામે પાકિસ્તાનનો કસૂર જિલ્લો અને ફાઝિલ્કા તરફ સુલેમાન ક્ષેત્ર સરહદની નજીક આવેલું છે. ભારતીય સરહદ તરફ ખેતીની જમીન છે, જ્યારે પાકિસ્તાન તરફ સરકંડાના ઘાટ જંગલો તસ્કરને છુપાવવાની આડ પૂરી પાડે છે. પાકિસ્તાની તસ્કરો આ જંગલોની ઓથે મોટા ડ્રોન ઉડાડે છે અને ભારતીય તસ્કરો દ્વારા પૂરી પાડવામાં આવેલી લોકેશનના આધારે માલ નીચે પાડવામાં આવે છે. ડ્રોન મારફતે સીધા ગામડાઓ અને ખેતરો સુધી માલ પહોંચતો હોવાથી તસ્કરોએ સરહદની નજીક જવાની જરૂર પડતી નથી, જેના કારણે સુરક્ષા એજન્સીઓ માટે સ્થાનિક નેટવર્ક સુધી પહોંચવું વધુ પડકારજનક બન્યું છે.

માત્ર હેરોઈન જ નહીં, પરંતુ અમૃતસર ક્ષેત્રમાં પણ સરહદ પારથી ડ્રોન દ્વારા વિદેશી પિસ્તોલ, હેન્ડ ગ્રેનેડ, એકે-47, હેરોઈન અને આરટીએક્સ મોકલવાની ઘટનાઓ સામે આવતી રહી છે. નશીલા પદાર્થોની સાથે ઘાતક હથિયારો અને વિસ્ફોટકોની હેરાફેરી આ ખતરાને વધુ ગંભીર બનાવે છે. સુરક્ષા એજન્સીઓ સામે હવે માત્ર ડ્રોનની ઘુસણખોરી રોકવાનો જ નહીં, પરંતુ ભારતીય ક્ષેત્રમાં સક્રિય એવા સ્થાનિક નેટવર્કને પકડવાનો પણ મોટો પડકાર છે.

  • તાજેતરના એક મહિનામાં થયેલી મુખ્ય જપ્તીઓ:

20 સપ્ટેમ્બર, ફરીદકોટ: પોલીસે 47.3 કિલો હેરોઈન સાથે 3 પિસ્તોલ, 3 મેગેઝિન અને 15 કારતુસ જપ્ત કર્યા; 4 આરોપીઓની ધરપકડ.
7-8 ઓક્ટોબર, ફિરોઝપુર (પધરી ગામ): પોલીસ અને બીએસએફ દ્વારા 20.298 કિલો હેરોઈન જપ્ત (ડ્રોન દ્વારા ફેંકાયાની આશંકા).
18 ઓક્ટોબર, આરિફકે ક્ષેત્ર: તેગા સિંહ વાળા ગામ પાસેથી 10.750 કિલો હેરોઈન જપ્ત.
19 ઓક્ટોબર, આરિફકે ક્ષેત્ર: જીવાન ભેડિયા ગામના ખેતરોમાંથી 10 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવી.

—

ભારત-પાકિસ્તાન સરહદે મોટા ડ્રોન સુરક્ષા એજન્સીઓ માટે બન્યા મોટો પડકાર. પંજાબના ફિરોઝપુર અને અન્ય વિસ્તારોમાં ડ્રોન દ્વારા હેરોઈન અને હથિયારોની તસ્કરી વધી. વાંચો વિગતવાર અહેવાલ.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular