
પાકિસ્તાન અને ઈરાને આતંકવાદી સંગઠનો પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો
ઈસ્લામાબાદ: પાકિસ્તાનના ગૃહ મંત્રાલયે કહ્યું કે, પાકિસ્તાન અને ઈરાને પોતપોતાના દેશોમાં આતંકવાદી સંગઠનો પર પ્રતિબંધ મૂકવાનો સૈદ્ધાંતિક નિર્ણય લીધો છે. મંત્રાલયે મોડી રાત્રે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાનના ગૃહ પ્રધાન મોહસિન નકવી તેમના ઈરાની સમકક્ષ અહેમદ વાહિદી અને ઈરાનના ન્યાય પ્રધાન અમીન-હુસૈન રહીમી સાથેની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
મંત્રાલયે જણાવ્યું હતું કે, બંને પક્ષો પરસ્પર સમર્થન અને ગુપ્ત માહિતીના આદાનપ્રદાન તેમજ આતંકવાદી ખતરાનો સામનો કરવા માટે સંયુક્ત કાર્ય યોજનામાં સુધારો કરવા સંમત થયા હતા. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, આ સંબંધમાં શક્ય તેટલી વહેલી તકે સુરક્ષા કરાર પર હસ્તાક્ષર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. નિવેદન અનુસાર, બંને પક્ષો એકબીજાના દેશમાં જેલમાં બંધ તેમના નાગરિકો પર લાદવામાં આવેલા દંડને માફ કરવા માટે પણ સંમત થયા છે.
નિવેદન અનુસાર, બંને દેશોએ દાણચોરી અને માદક દ્રવ્યોની હેરાફેરી અટકાવવા પગલાં લેવા સહિત સરહદ વ્યવસ્થાપનમાં સહયોગ વધારવાનો પણ નિર્ણય કર્યો હતો. બંને ઈરાનના મંત્રીઓ રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસીના નેતૃત્વમાં ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળનો ભાગ છે, જે 22 થી 24 એપ્રિલ દરમિયાન પાકિસ્તાનની મુલાકાતે છે.
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સંબંધ વધારે તંગ બન્યાં છે. એટલું જ નહીં પાકિસ્તાન અને ઈરાન વચ્ચે પણ ઘણા સમયથી સંબંધો વધારે તંગ બન્યાં હતા. સંબંધમાં સુધારો આવે તે માટે બંને દેશ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.