પાકિસ્તાનઃ બલૂચિસ્તાનમાં સુરક્ષાદળો ઉપર હુમલો, 12 જવાનોના મોત
બલૂચિસ્તાનમાં આઝાદીની માંગ કરી રહેલા બલૂચ લિબરેશન આર્મી (BLA) એ પાકિસ્તાની સેના પર ફરી એકવાર મોટો હુમલો કરી ભારે નુકસાન પહોંચાડ્યાનો દાવો કર્યો છે. BLA ના પ્રવક્તા ઝૈદ બલૂચે સત્તાવાર નિવેદન જારી કરીને જણાવ્યું છે કે, અલગ-અલગ વિસ્તારોમાં થયેલી હિંસક અથડામણોમાં પાકિસ્તાની સેનાના 12 સૈનિકો માર્યા ગયા છે. આ ઓપરેશન દરમિયાન BLA એ પંજગુર શહેરમાં અનેક સરકારી ઈમારતો પર થોડા સમય માટે કબજો પણ જમાવી લીધો હતો.
BLA દ્વારા જારી કરાયેલા અહેવાલ મુજબ, ક્વેટા, કેચ, પંજગુર, સુન્ની અને બુલેદામાં પાકિસ્તાની સુરક્ષા દળોને નિશાન બનાવવામાં આવ્યા હતા. પંજગુરમાં સરકારી ઈમારતો પર કબજો કર્યા બાદ વિદ્રોહીઓએ શહેરમાં વ્યૂહાત્મક સ્થળોએ મોરચો સંભાળ્યો હતો. આ લોહિયાળ જંગમાં BLA ના પણ 3 કમાન્ડરો માર્યા ગયા હોવાની કબૂલાત સંગઠને કરી છે.
બલૂચિસ્તાનના કુદરતી સંસાધનોના શોષણ સામે લડી રહેલા BLA એ કલાત મિડવે પાસે ‘રેકો ડિક પ્રોજેક્ટ’ સાથે જોડાયેલા વાહનોના કાફલા પર હુમલો કર્યો હતો. આ હુમલામાં કાફલાને સુરક્ષા આપી રહેલી સેનાના જવાનોને મોટું નુકસાન થયું છે અને ત્રણ વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. અથડામણ દરમિયાન પાકિસ્તાનના કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ (CTD) નો એક અધિકારી પણ ઠાર થયો છે.
13 ડિસેમ્બરે બુલેદાના મિનાઝ વિસ્તારમાં BLA એ પાકિસ્તાની સેના માટે રેશન અને અન્ય સામાન લઈ જતા વાહનોને આંતરીને જપ્ત કરી લીધા હતા. જોકે, માનવતાના ધોરણે ડ્રાઈવરોને ચેતવણી આપીને છોડી દેવામાં આવ્યા હતા. BLA એ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જે કોઈ પણ પાકિસ્તાની સેનાને લોજિસ્ટિક્સ કે ખાધ્ય સામગ્રી પહોંચાડવામાં મદદ કરશે, તેમને આગામી સમયમાં સખત નિશાન બનાવવામાં આવશે.


