
પાકિસ્તાનમાં ચૂંટણીની તારીખોને લઈને ચાલતી અટકળોનો અંત, 11 ફેબ્રુઆરી, 2024ના રોજ યોજાશે ચૂંટણી
નવી દિલ્હીઃ પાકિસ્તાનના ચૂંટણી પંચ (ECP)એ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે દેશમાં સામાન્ય ચૂંટણી 11 ફેબ્રુઆરી, 2024ના રોજ યોજાશે. આવી સ્થિતિમાં ચૂંટણીને લઈને મહિનાઓથી ચાલી રહેલી અનિશ્ચિતતાનો અંત આવ્યો છે. પાકિસ્તાન ચૂંટણી પંચના વકીલ સજીલ સ્વાતિએ કહ્યું કે, મતવિસ્તારો નક્કી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ કામ 29મી જાન્યુઆરી સુધીમાં પૂર્ણ થઈ જશે, જેનાથી ચૂંટણીનો માર્ગ મોકળો થશે. સર્વોચ્ચ અદાલતે નેશનલ એસેમ્બલી અને પ્રાંતીય એસેમ્બલીઓના વિસર્જન પછી 90 દિવસની અંદર ચૂંટણી યોજવાની માંગ કરતી અરજીઓ પર ફરીથી સુનાવણી દરમિયાન ચૂંટણીપંચ દ્વારા રજુઆત કરવામાં આવી હતી. પાકિસ્તાનમાં એવો કાયદો છે કે નેશનલ એસેમ્બલી અને પ્રાંતીય એસેમ્બલીઓ ભંગ થયાના 90 દિવસની અંદર ચૂંટણી યોજવી જોઈએ.
પાકિસ્તાનના ચીફ જસ્ટિસ (CJP) કાઝી ફૈઝ ઈસા, જસ્ટિસ અમીન-ઉદ-દિન ખાન અને જસ્ટિસ અતહર મિનાલ્લાહની ત્રણ જજોની બેન્ચે સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન (SCBA), પીટીઆઈ, મુનીર અહેમદ અને ઈબાદ દ્વારા દાખલ કરાયેલી અરજીઓની સુનાવણી કરી હતી. આજની સુનાવણી દરમિયાન CJPએ ચૂંટણી અંગે ચૂંટણી પંચને પોતાનું વલણ સ્પષ્ટ કરવા નિર્દેશ કર્યો હતો. જેથી ECPના વકીલ સજીલ સ્વાતિએ જણાવ્યું હતું કે ચૂંટણી માટેનો માર્ગ મોકળો કરીને મતવિસ્તારો નક્કી કરવાની પ્રક્રિયા 29 જાન્યુઆરી સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. મતદારક્ષેત્રોની અંતિમ યાદી 5 ડિસેમ્બરે પ્રસિદ્ધ કરવામાં આવશે.
ચૂંટણી પંચે કોર્ટને જણાવ્યું કે ચૂંટણી પંચ લોકોની સુવિધા માટે રવિવારે મતદાન કરાવવાનું વિચારી રહ્યું છે. “તેથી અમે નક્કી કર્યું કે ચૂંટણી 11 ફેબ્રુઆરીએ યોજાશે, જે બીજો રવિવાર છે.” સુનાવણી દરમિયાન CJP ઈસાએ ચૂંટણી પંચને પૂછ્યું કે શું રાષ્ટ્રપતિ આરિફ અલ્વીને આ મામલે બોર્ડમાં લેવામાં આવ્યા છે, જેના પર સ્વાતિએ કહ્યું, “અમે રાષ્ટ્રપતિને બોર્ડમાં લેવા માટે બંધાયેલા નથી.” એક અહેવાલ મુજબ, સજીલ સ્વાતિના જવાબ પર ચીફ જસ્ટિસ ગુસ્સે થયા હતા. તેમણે કહ્યું, “રાષ્ટ્રપતિ અને ECP બંને પાકિસ્તાની છે. ECP રાષ્ટ્રપતિની સલાહ લેવામાં કેમ ખચકાય છે?” ત્યાર બાદ તેમણે ચૂંટણી સંસ્થાને આજે અલ્વી સાથે આ મામલે ચર્ચા કરવાનો નિર્દેશ આપ્યો હતો.