ગોવામાં એસસીઓની બેઠકમાં ભાગ લેવા અંગે પાકિસ્તાન અવઢવમાં
નવી દિલ્હીઃ આ વર્ષે મે મહિનામાં ગોવામાં યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં ભાગ લેવા અંગે પાકિસ્તાને હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું છે કે, આ બેઠકમાં હાજરી આપવા અંગે કંઈપણ કહેવું વહેલું ગણાશે. ભારતે 4-5 મેના રોજ યોજાનારી આ બેઠકમાં ભાગ લેવા માટે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને આમંત્રણ આપ્યું છે.
પ્રવક્તાએ કહ્યું, “SCOની આ બેઠકમાં સભ્ય દેશો વચ્ચે આર્થિક સંબંધોને મજબૂત કરવા પર ચર્ચા થશે.” આ બેઠકમાં તમામ સભ્ય દેશોના વિદેશ મંત્રીઓ ભાગ લે છે. ચીન અને પાકિસ્તાન પણ તેના સભ્યો છે, જેમને ભારત દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. ભારતે ચીનના નવા વિદેશ મંત્રી કિન ગેંગ અને પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોને આમંત્રણ મોકલ્યું છે. ભારતે ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં 9 દેશના આ સમૂહની અધ્યક્ષતા સંભાળી હતી. આ વર્ષે શિખર સંમેલન પણ આયોજીત કરાશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો આતંકવાદના કારણે જાણીતા છે. પાકિસ્તાન કોઈપણ પ્રકારની વાતચીતમાં જમ્મુ-કાશ્મીરમાં કલમ-370ને પુનઃસ્થાપિત કરવાની માંગ કરી રહ્યું છે, સાથે જ ભારત કાશ્મીરને ભારતનો અભિન્ન અંગ ગણાવતા તેની દરેક માંગને ફગાવી દે છે. એટલું જ નહીં, પાકિસ્તાન દરેક વૈશ્વિક મંચ પર કાશ્મીરનો નારો કરે છે, જ્યાં ભારત પણ તેના પાડોશી દેશને જડબાતોડ જવાબ આપે છે.