પાકિસ્તાનઃ તોશાખાના કેસમાં ઈમરાન અને બુશરા બીબીને કોર્ટે ફટકારી 17-17 વર્ષની સજા
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબી માટે કાયદાકીય મુસીબતોનો પહાડ તૂટી પડ્યો છે. શનિવારે રાવલપિંડીની હાઈ-સિક્યોરિટી અદિયાલા જેલમાં ચાલતી એક વિશેષ જવાબદેહી અદાલતે બહુચર્ચિત ‘તોશાખાના-2’ ભ્રષ્ટાચાર કેસમાં બંનેને દોષિત જાહેર કરી 17-17 વર્ષની સખત જેલની સજા ફટકારી છે.
સુરક્ષાના કારણોસર અદિયાલા જેલની અંદર જ વિશેષ કેન્દ્રીય જજ શાહરૂખ અર્જુમંદે આ ચુકાદો સંભળાવ્યો હતો. અદાલતે પાકિસ્તાન પીનલ કોડની કલમ 409 હેઠળ પણ બંનેને દોષિત ઠેરવીને વધુ 7-7 વર્ષની વધારાની સજા સંભળાવી છે. સજાની સાથે સાથે કોર્ટે બંને પર રૂ. 1 કરોડનો દંડ પણ ફટકાર્યો છે. ચુકાદો આવ્યો ત્યારે ઈમરાન ખાન અને બુશરા બીબી કોર્ટરૂમમાં હાજર હતા.
આ સમગ્ર વિવાદ વર્ષ 2021માં સાઉદી અરેબિયા સરકાર તરફથી મળેલી કિંમતી સરકારી ભેટો સાથે જોડાયેલો છે. ઈમરાન ખાન અને બુશરા બીબીએ વિદેશી સરકારો તરફથી મળેલી મોંઘી ભેટોને નિયમો વિરુદ્ધ જઈને પોતાની પાસે રાખી હતી. આ ભેટોના મૂલ્યાંકનમાં ગેરરીતિ આચરીને રાજ્યની તિજોરીને નુકસાન પહોંચાડવાનો અને છેતરપિંડી કરવાનો આરોપ સાબિત થયો છે. અદાલતે આ કૃત્યને રાજ્ય સાથેનો ‘વિશ્વાસઘાત’ ગણાવ્યો છે.
આ કેસની તપાસ પ્રથમ નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો (NAB) દ્વારા કરવામાં આવી હતી, જે બાદમાં ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (FIA) ને સોંપવામાં આવી હતી. સપ્ટેમ્બર 2024માં ચાર્જશીટ દાખલ થયા બાદ 12 ડિસેમ્બર 2024ના રોજ બંને પર આરોપ નક્કી થયા હતા. ઉલ્લેખનીય છે કે, તોશાખાના-1 કેસમાં અગાઉ બંને નિર્દોષ છૂટ્યા હતા, પરંતુ બીજા કેસમાં આવેલી આ સજાએ તેમની મુક્તિની આશા પર પાણી ફેરવી દીધું છે.
આ સજા એવા સમયે આવી છે જ્યારે ઈમરાન ખાન જેલમાં ‘એકાંત કારાવાસ’ ભોગવી રહ્યા છે. તેમની પાર્ટી PTI અને સમર્થકોએ આરોપ લગાવ્યો છે કે જેલમાં તેમની સાથે અમાનવીય વ્યવહાર થઈ રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર (UN) એ પણ આ મામલે ચિંતા વ્યક્ત કરી ઈમરાન ખાનને તાત્કાલિક એકાંત કારાવાસમાંથી બહાર લાવવા અપીલ કરી છે.


