
જમ્મુના સાંબા જિલ્લાના વિજયપુરમાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું, સુરક્ષા જવાનો સતર્ક બન્યાં
નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાન આતંકવાદી પ્રવૃતિઓને પ્રોત્સાહન આપી રહ્યો છે, ભારતમાં ભાંગફોડ કરવા માટે આતંકવાદીઓને ઘુસણખોરી માટે પણ પાકિસ્તાન આતંકવાદી સંગઠનોને સહયોગ આપી રહ્યું છે. બીજી તરફ ભારતીય સરહદ વિસ્તારમાં પાકિસ્તાનના ડ્રોન અનેકવાર જોવા મળે છે. દરમિયાન જમ્મુના સાંબામાં પાકિસ્તાની ડ્રોન દ્વારા એક પેકેટ ડ્રોપ કરવામાં આવ્યું હતું. જો કે, ડ્રોનને જોઈને સતર્ક બનેલા ભારતીય જવાનોએ ગોળીબાર કરીને તેને તોડી પાડ્વાનો પ્રયાસ કરાયો હતો. તેમજ પાકિસ્તાને ડ્રોન મારફતે શું નાખ્યું હતું તેની તપાસ કરવામાં આવી રહી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર સાંબા જિલ્લાના વિજયપુરમાં પાકિસ્તાન ડ્રોનમાંથી શંકાસ્પદ પેકેટ પડ્યું હતું. વિજયપુરમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા પાસે ખેતરમાં પેકેટ પડ્યું હતું. આ બનાવની જાણ થતા સ્થળ પર દોડી ગયેલા ભારતીય જવાનોએ તપાસ આરંભી હતી. તેમજ શંકાસ્પદ પેકેજ જપ્ત કર્યું હતું. દરમિયાન બોમ્બ ડિસ્પોજલ સ્કવોડની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય સરહદ વિસ્તારમાં અનેકવાર પાકિસ્તાનના ડ્રોન ઘુસણખોરી કરીને હથિયારો તથા નશીલા દ્રવ્યો તેમના સાગરિતોને પહોંચાડવાનો પ્રયાસ કરે છે. જો કે, અનેકવાર ભારતીય સુરક્ષા એજન્સીઓએ પાકિસ્તાનના મનસુબા ઉપર પાણી ફેરવ્યું છે.
(Photo-File)