
અપડેટેડ આઈટીઆર દ્વારા અત્યાર સુધીમાં રૂ. 400 કરોડનો ટેક્સ જમા થયો.
નવી દિલ્હી: તાજેતરમાં લાગુ કરાયેલી, કરદાતાઓને તેમના ટેક્સ રિટર્ન અપડેટ કરવાની મંજૂરી આપતી જોગવાઈ બાદ, અત્યાર સુધીમાં લગભગ પાંચ લાખ રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે. ફાઇનાન્સ એક્ટ 2022માં ટેક્સ રિટર્ન અપડેટ કરવાનો નવો કોન્સેપ્ટ ઉમેરવામાં આવ્યો છે, જે હેઠળ કરદાતાઓ ફાઇલ કર્યાના બે વર્ષની અંદર તેમનું ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) અપડેટ કરી શકે છે. અપડેટેડ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે આ વર્ષે મે મહિનામાં નવું ફોર્મ બહાર પાડવામાં આવ્યું હતું.
સંબંધિત સુત્રોથી મળતી માહિતી મુજબ, અત્યાર સુધીમાં પાંચ લાખ અપડેટેડ ITR ફાઈલ કરવામાં આવ્યા છે અને લગભગ 400 કરોડ રૂપિયા ટેક્સ તરીકે ચૂકવવામાં આવ્યા છે અને કંપનીઓ પણ અપડેટેડ ITR ફાઈલ કરી રહી છે. વધુ માહિતી મુજબ, એમ પણ જાણવા મળ્યું છે કે એક કંપનીએ અપડેટેડ રિટર્ન ફાઈલ કર્યું છે અને એક કરોડ રૂપિયાનો ટેક્સ જમા કરાવ્યો છે.
(ફોટો: ફાઈલ)