1. Home
  2. ગુજરાતી
  3. પાકિસ્તાનની મુશ્કેલીઓ વધશે: રાવી નદી ઉપર ડેમનું કામ 31 માર્ચ સુધીમાં પૂર્ણ થશે

પાકિસ્તાનની મુશ્કેલીઓ વધશે: રાવી નદી ઉપર ડેમનું કામ 31 માર્ચ સુધીમાં પૂર્ણ થશે

0
Social Share

નવી દિલ્હી, 17 ફેબ્રુઆરી 2026: ભારત સરકારે પાકિસ્તાન તરફ વહેતા રાવી નદીના પાણીને રોકવા માટે એક મોટું અને વ્યૂહાત્મક પગલું ભર્યું છે. પંજાબ અને જમ્મુ-કાશ્મીરની સરહદ પર નિર્માણાધીન શાહપુર કંડી ડેમ પ્રોજેક્ટનું કામ હવે અંતિમ ચરણમાં છે. 31 માર્ચ, 2026 સુધીમાં આ ડેમ સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે, જેના પછી રાવી નદીનું વધારાનું પાણી પાકિસ્તાન જવાને બદલે ભારતના ખેતરોને સિંચશે.

જમ્મુ-કાશ્મીરના જળ સંસાધન મંત્રી જાવેદ અહેમદ રાણાએ પુષ્ટિ કરી છે કે રાવી નદીનું વધારાનું પાણી પાકિસ્તાન જતું અટકાવવામાં આવશે. આ પ્રોજેક્ટથી જમ્મુ-કાશ્મીરના કઠુઆ અને સાંબા જિલ્લાના સૂકા વિસ્તારોમાં હરિયાળી આવશે. અત્યાર સુધી માધોપુર હેડવર્કસ દ્વારા આ પાણી વહીને પાકિસ્તાન જતું હતું, જેનો હવે ભારત પોતાના હિતમાં ઉપયોગ કરશે.

  • પ્રોજેક્ટથી થનારા મુખ્ય ફાયદાઓ

જમ્મુ-કાશ્મીરના કઠુઆ અને સાંબા જિલ્લામાં 32,173 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે. પંજાબની અંદાજે 5,000 હેક્ટર વધારાની જમીન આ પાણીથી સંતૃપ્ત થશે. આમ કુલ 37,000 હેક્ટરથી વધુ ખેતીલાયક જમીનને ફાયદો થશે અને મોટા પાયે વીજ ઉત્પાદન પણ કરવામાં આવશે. ભારત સરકારે સિંચાઈના હિસ્સા માટે રૂ.485.38 કરોડ મંજૂર કર્યા છે.

1960ની સિંધુ જળ સંધિ મુજબ, પૂર્વીય નદીઓ—રાવી, બિયાસ અને સતલજ—પર ભારતનો સંપૂર્ણ અધિકાર છે. તેમ છતાં, યોગ્ય ડેમ અને ટેકનિકલ માળખાના અભાવે વર્ષોથી રાવીનું પાણી પાકિસ્તાન જતું હતું. શાહપુર કંડી પ્રોજેક્ટ આ સંધિના કાર્યક્ષેત્રમાં જ છે અને ભારત તેના કાયદેસરના હકનો જ ઉપયોગ કરી રહ્યું છે.

એપ્રિલ 2025માં પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન પ્રત્યે કડક વલણ અપનાવ્યું છે. ડેટા શેરિંગ બંધ કરવા સાથે હવે પાણી રોકવાની આ યોજનાને પાકિસ્તાન પર આતંકવાદના મુદ્દે વ્યૂહાત્મક દબાણ વધારવાના ભાગરૂપે જોવામાં આવી રહી છે. પાકિસ્તાન પહેલેથી જ જળ સંકટનો સામનો કરી રહ્યું છે, ત્યારે રાવીનું પાણી અટકવાથી તેના નીચાણવાળા વિસ્તારોમાં મુશ્કેલી વધી શકે છે.

આ પ્રોજેક્ટની શરૂઆત વર્ષ 2001માં થઈ હતી, પરંતુ પંજાબ અને જમ્મુ-કાશ્મીર વચ્ચેના આંતરરાજ્ય વિવાદોને કારણે તે અટવાયેલો હતો. 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યસ્થી કરી સમજૂતી કરાવી હતી, જેના કારણે આજે આ કામ ‘મિશન મોડ’માં પૂર્ણ થવા જઈ રહ્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code