
અમદાવાદઃ પાલનપુર ખાતે ખાતે કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના રાજ્ય મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને UGVCLને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે અધિકારી અને પદાધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં સંસદ સભ્ય પરબતભાઇ પટેલ અને દિનેશભાઇ અનવાડીયા તથા ધારાસભ્યઓ અને પદાધિકારીઓ દ્વારા પુછવામાં આવેલા UGVCL ને લગતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રસંગે મંત્રી મુકેશ પટેલે પાલનપુર શહેર માટે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે, આગામી તા. 9 ઓક્ટોબર-2022 ના રોજ આપણા દેશના પીએમ નરેન્દ્ર મોદી પાલનપુર શહેરને નવી ભેટ આપવાના છે. ઉત્તર ગુજરાત વીજ કંપની લિ. દ્વારા રૂ. 25 કરોડના ખર્ચથી પાલનપુર શહેરમાં નવી અંડરલાઇન વીજ લાઇન નાખી શહેરને વીજળીના થાંભલાઓથી મુક્ત કરાશે. તેમણે ઉમેર્યુ કે, ભારે વરસાદ કે પૂરની સીઝનમાં UGVCL ના કર્મચારીઓ પોતાની જાન ની પરવા કર્યા વિના જીવ ના જોખમે પાણીમાં ઉતરી થાંભલા પર ચડી કામ કરે છે. ગુજરાતનું વીજ મોડેલ સમગ્ર દેશમાં વખણાય છે.
તેમણે કહ્યું કે, ડિસેમ્બર-2022ના અંત સુધીમાં તમામ ખેડુતોને ખેતી વિષયક વીજ કનેક્શન આપી દેવાશે. જેટકો દ્વારા 38 જેટલાં નવા સબ સ્ટેશનો પ્રાયોરીટીના આધારે બનાવવાનું આયોજન છે. આ બેઠકમાં થરાદ ખાતે નવીન ડીવીઝન ઓફિસ શરૂ કરવા, થરાદ તાલુકાના મલુપુર અને મોરથલ ગામે મંજુર થયેલ 66 કે.વી. સબ સ્ટેશનની કામગીરી પૂર્ણ કરવી, ખેતીવાડી વીજ કનેક્શનમાં લોડ વધારો કરી ડ્રીપ ઇરીગેશન માટે મોટર મુકી પાણી ખેંચવા બીજી મોટર ચલાવવાની મંજુરી આપવા, મલાણા ગામે 66 કે.વી. સબ સ્ટેશન તાત્કાલિક ધોરણે ચાલુ કરવું, ખેતરમાં સિંગલ ફેજ લાઇટ રેગ્યુલર આપવી, નવી વીજ લાઇન નાખતી વખતે ખેતરોમાં ઓછું નુકશાન થાય તેનું ધ્યાન રાખવું, લોડ વધારો અને વીજ ટ્રાન્સ્ફોર્મર નાખવા સહિતના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.