મુંબઈ, 7 જાન્યુઆરી 2026: મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વાડા તાલુકામાં આવેલી એક મેડિકલ કોલેજમાં ચકચારી ઘટના સામે આવી છે. પોશેરી સ્થિત મેડિકલ કોલેજની હોસ્ટેલમાં પ્રથમ વર્ષની વિદ્યાર્થિનીને અન્ય વિદ્યાર્થિનીએ બળજબરીપૂર્વક નમાઝ પઢવા મજબૂર કરી હોવાનો આક્ષેપ થતા તણાવ ફેલાયો છે. આ ઘટના બાદ હિન્દુ સંગઠનોએ કોલેજ કેમ્પસમાં ભારે હોબાળો મચાવ્યો હતો, જેના પગલે તંત્રએ એક પ્રોફેસર અને હોસ્ટેલ વોર્ડનને સસ્પેન્ડ કરી દીધા છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, પીડિત વિદ્યાર્થિની નાસિકની રહેવાસી છે અને તે ફિઝિયોથેરાપીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. રાત્રે બનેલી આ ઘટના અંગે તેણે પોલીસને જણાવ્યું કે, હોસ્ટેલના પાંચમા માળે મોઢું ઢાંકેલી એક છોકરીએ તેને રોકી હતી. પીડિતાએ ના પાડી હોવા છતાં તેને પરાણે નમાઝ પઢવા માટે મજબૂર કરવામાં આવી હતી, જેના કારણે તે અત્યંત ડરી ગઈ હતી. વિદ્યાર્થિનીએ બીજા દિવસે સવારે તેના પરિવારને આ અંગે જાણ કરી હતી.
- કોલેજ મેનેજમેન્ટની નિષ્ક્રિયતા બાદ VHP મેદાનમાં
વિદ્યાર્થિનીના પરિવારે જ્યારે કોલેજ મેનેજમેન્ટ પાસે જવાબ માંગ્યો, ત્યારે સંતોષકારક પ્રતિસાદ ન મળતા તેમણે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) નો સંપર્ક કર્યો હતો. VHP ના કાર્યકરોએ કોલેજમાં પહોંચીને ઉગ્ર વિરોધ પ્રદર્શન અને સુત્રોચ્ચાર કર્યા હતા. પરિસ્થિતિ વણસતા પોલીસ કાફલો ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવ્યો હતો.
પાલઘરના એસપી યતીશ દેશમુખે જણાવ્યું હતું કે, ભારતીય ન્યાય સંહિતા અને મહારાષ્ટ્ર રેગિંગ વિરોધી કાયદાની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ હાલ કોલેજના CCTV ફૂટેજની તપાસ કરી રહી છે જેથી આરોપી વિદ્યાર્થિનીની ઓળખ કરી શકાય. અન્ય વિદ્યાર્થીઓના નિવેદનો પણ નોંધવામાં આવી રહ્યા છે. પોલીસ આ ઘટના રેગિંગ સાથે જોડાયેલી છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરી રહી છે.
- ઉચ્ચ સ્તરીય તપાસની માંગ
વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ પોલીસને લેખિત ફરિયાદ આપી છે કે કોલેજમાં ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બની હોવાની શક્યતા છે. તેમણે કોલેજની કામગીરીની ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની માંગ કરી છે. હાલમાં વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ CM રેખા ગુપ્તાએ ભગતસિંહ અને કોંગ્રેસ મુદ્દે કરેલા નિવેદનથી વિવાદ સર્જાયો


