
પેરિસ ઓલિમ્પિક: ભારત અને આર્જેન્ટિના વચ્ચે હોકી મેચ 1-1થી ડ્રો
નવી દિલ્હી: ભારતીય હોકી ટીમે પેરિસ ઓલિમ્પિકની તેની બીજી મેચમાં આર્જેન્ટિનાની ટીમ સાથે 1-1ની ડ્રો સાથે મેચ સમાપ્ત કરી હતી. મેન્સ હોકી પૂલ બીની આ મેચમાં કેપ્ટન હરમનપ્રીતે મેચમાં 58 મિનિટથી પાછળ રહેલી ભારતીય ટીમ માટે બરાબરીનો ગોલ કર્યો હતો.
આ મેચમાં ભારતનો બોલ પર વધુ કબજો હતો અને ટીમને 10 પેનલ્ટી કોર્નર પણ મળ્યા હતા, પરંતુ ટીમ તેને માત્ર એક જ વખત ગોલમાં ફેરવવામાં સફળ રહી હતી. જો કે આર્જેન્ટિનાની ટીમ પણ ચાર પેનલ્ટી કોર્નર પર એકપણ ગોલ કરી શકી ન હતી.
આ મેચમાં પ્રથમ ક્વાર્ટર કોઈ પણ ગોલ વગર પૂરો થયો હતો. આ પછી બીજા ક્વાર્ટરમાં આર્જેન્ટિનાએ પહેલો ગોલ કર્યો હતો. લુકાસ માર્ટિનેઝે 30મી મિનિટે કરેલો આ ગોલ ભારત માટે અનપેક્ષિત હતો, કારણ કે બોલ ભારતીય ગોલકીપર શ્રીજેશની ખૂબ નજીક ગયો અને ગોલ પોસ્ટમાં ગયો. જો કે શ્રીજેશે સારો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે બચાવ કરવાનું ચૂકી ગયો હતો.
જ્યારે ભારત આ મેચ હારી જવાના ભયમાં હતું, ત્યારે કેપ્ટન હરમનપ્રીતે પેનલ્ટી કોર્નરમાંથી બહુપ્રતીક્ષિત ગોલ કરીને ચોથા ક્વાર્ટરમાં માત્ર 2 મિનિટ બાકી હતી ત્યારે સ્કોર 1-1થી બરાબર કરી લીધો હતો. આ ગોલ પર આર્જેન્ટિનાએ રેફરલ લીધો હતો, પરંતુ રેફરીએ ભારતની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.
આ રીતે ભારતે 58 મિનિટ પાછળ રહીને મેચ ડ્રો કરવામાં સફળતા મેળવી હતી. ભારત અને આર્જેન્ટિના વચ્ચેની આ બીજી ડ્રો મેચ હતી. હાલમાં ભારતીય હોકી ટીમ પેરિસ ઓલિમ્પિકમાં એકપણ મેચ હારી નથી. આ પહેલા ભારતે પેરિસ ઓલિમ્પિકની પોતાની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડને 3-2થી હરાવ્યું હતું. ભારતીય હોકી ટીમનો આગામી મુકાબલો 30 જુલાઈએ આયર્લેન્ડ સામે થશે.