
પ્રદૂષણને કારણે લોકો ગંભીર રીતે બીમાર,એક સપ્તાહમાં દર્દીઓની સંખ્યામાં 25 ટકાનો વધારો
- રાજધાનીમાં સતત વધી રહ્યું છે પ્રદુષણ
- પ્રદૂષણને કારણે લોકો ગંભીર રીતે બીમાર
- એક સપ્તાહમાં દર્દીઓની સંખ્યામાં 25 % નો વધારો
દિલ્હી:દેશની રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણ સતત વધી રહ્યું છે. જેના કારણે લોકોને અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. હોસ્પિટલોના પલ્મોનોલોજી વિભાગની ઓપીડીમાં આવતા દર્દીઓની સંખ્યામાં 25 ટકાનો વધારો થયો છે. આમાંના મોટાભાગના લોકોને શ્વાસ લેવામાં તકલીફ અને સતત ઉધરસ થઈ રહી છે.
દિલ્હીની લોકનાયક હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર સુરેશ કુમારે જણાવ્યું કે હોસ્પિટલના પલ્મોનોલોજી વિભાગની ઓપીડીમાં દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. છેલ્લા એક સપ્તાહમાં નવા દર્દીઓમાં નોંધપાત્ર વધારો થયો છે. કેટલાક દર્દીઓ ગંભીર હાલતમાં પણ હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે. આ એવા લોકો છે જેમને અસ્થમા અથવા બ્રોન્કાઇટિસની ફરિયાદ હોય છે.
ગાઝિયાબાદની જીલ્લા એમએમજી હોસ્પિટલના વરિષ્ઠ ચિકિત્સક ડો આરપી સિંહે જણાવ્યું હતું કે,હોસ્પિટલની ઓપીડીમાં શ્વાસની સમસ્યાથી પીડિત દર્દીઓની સંખ્યા વધી રહી છે. છેલ્લા એક સપ્તાહમાં 25 થી 30 ટકાનો વધારો થયો છે. વૃદ્ધો અને યુવાનોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ લોકો સતત ઉધરસ, ગળામાં ઈન્ફેક્શન અને છાતીમાં દુખાવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. કેટલાક દર્દીઓમાં બ્રોન્કાઇટિસ અને સીઓપીડીની સમસ્યા પણ જોવા મળી રહી છે.