1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પેટ્રોલ-ડીઝલ સાથે શાકભાજીના ભાવમાં પણ તોતિંગ વધારો, લીબુંના ભાવ રૂ.200એ પહોંચ્યા

પેટ્રોલ-ડીઝલ સાથે શાકભાજીના ભાવમાં પણ તોતિંગ વધારો, લીબુંના ભાવ રૂ.200એ પહોંચ્યા

0
Social Share

અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સાથે જીવન જરૂરિયાતની તમામ ચિજ-વસ્તુઓ મોંઘી થતી જાય છે. તેના લીધે ગરીબ અને મધ્યમ વર્ગની હાલત કફોડી બની છે. શાકભાજીના ભાવમાં પણ છેલ્લા એક સપ્તાહથી અસહ્ય વધારો થતો જાય છે. જેમાં લીંબુના ભાવ પ્રતિ કિલોના 200એ પહોંચ્યા છે.

દેશ અને ગુજરાતમાં કુદકે અને ભૂસકે વધતી જતી મોંઘવારીથી પ્રજા ત્રસ્ત બની ગઈ છે. પેટ્રોલ ડીઝલના ભાવ રોજબરોજ વધતા જાય છે. રસોઈ ગેસના સિલિન્ડરમાં પણ 50નો વધારો કરાયો છે. ત્યાં જ  800થી વધારે દવાઓની કિંમતોમાં 10 ટકા સુધીનો વધારો કરાયો છે. અને આટલુ ઓછું હોય તેમ શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. હજી તો ઉનાળાની શરુઆત થઈ છે અને શાકભાજીના ભાવ બમણાં થઈ ગયા છે. ઉનાળામાં શાકભાજી ઓછી આવતી હોવાને કારણે તેના ભાવમાં વધારો નોંધાતો હોય છે. પરંતુ શરુઆતમાં જ આટલા બધા ભાવ વધી જતાં ચોક્કસપણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ જશે.
અમદાવાદના જમાલપુર માર્કેટમાં છૂટક બજારમાં લીંબુનો ભાવ 200 રુપિયા પ્રતિ કિલો પહોંચી ગયો છે. નોંધનીય છે કે દર વર્ષે ઉનાળામાં લીંબુના ભાવ વધતા હોય છે. 10 દિવસ પહેલા લીંબુ 70 રુપિયા પ્રતિ કિલો મળતા હતા. અને હવે લીંબુનો ભાવ 200 રુપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. ગૃહિણીઓ ઓછા ભાવે લીંબુ ખરીદવા માટે બજારોમાં ફરી રહી છે પરંતુ તમામ વેપારીઓ લગભગ એક જ ભાવે વેચી રહ્યા છે. જ્યારે  અન્ય શાકભાજીઓના ભાવ પણ રોકેટગતિએ વધ્યા છે જેના કારણે ગૃહિણીઓ પરેશાન છે. અન્ય શાકભાજીઓની જેમ આગામી સમયમાં ડુંગળી અને બટેટાના ભાવ પણ વધે તેવી આશંકા વેપારીઓ સેવી રહ્યા છે. વેપારીઓનું કહેવું છે કે ઉનાળાની શરુઆતમાં શાકભાજીની આવક ઘટવાને કારણે ભાવમાં વધારો થઈ રહ્યો છે. માત્ર છૂટક જ નહીં, હોલસેલ માર્કેટમાં પણ શાકભાજીના ભાવ 10 દિવસમાં બમણાં થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે ઉનાળામાં લીંબુનો વપરાશ ઘણો વધારે હોય છે, તેની સામે માર્કેટમાં લીંબુ ઓછા આવી રહ્યા છે, જેના પરિણામે ભાવ વધારો જોવા મળી રહ્યો છે. સીઝનની શરુઆતમાં શાકભાજી આટલી મોંઘી છે તો આગળ જતાં તેમાં કેટલો વધારે થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ટમેટા પણ અત્યારે 30 રુપિયા પ્રતિ કિલોના ભાવે મળી રહ્યા છે. ગુવાર 150 રુપિયા, ભીંડા 80 રુપિયા, મરચાં 160 રુપિયા, ફુલાવર 40 રુપિયા, કોબીજ 40 રુપિયા, આદુ 80 રુપિયા, લસણ 80 રુપિયા, રીંગણ 80 રુપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code