પીએમ મોદીએ ઈઝરાયેલની સંસદ કનેસેટમાં 1971ના યુદ્ધના હીરો જનરલ જેકબને કર્યા યાદ
તેલઅવીવ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની બે દિવસીય ઈઝરાયેલ મુલાકાત દરમિયાન ઈઝરાયેલની સંસદ ‘કનેસેટ’ ને સંબોધિત કરીને એક નવો ઇતિહાસ રચ્યો છે. પીએમ મોદી ઈઝરાયેલની સંસદમાં વક્તવ્ય આપનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા છે. આ ઐતિહાસિક સંબોધનમાં તેમણે ભારત અને ઈઝરાયેલના ગાઢ સંબંધોની સાથે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધના મહાનાયક લેફ્ટનન્ટ જનરલ જે.એફ.આર. જેકબનો વિશેષ ઉલ્લેખ કરીને ભાવુક યાદો તાજી કરી હતી.
વડાપ્રધાન મોદીના સંબોધન પૂર્વે ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહૂએ તેમને ‘મિત્રથી પણ વિશેષ ભાઈ’ ગણાવીને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ પોતાના ભાષણમાં એક અદ્ભુત સંયોગનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, “મારો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ થયો હતો અને આ જ દિવસે ભારતે ઈઝરાયેલને સત્તાવાર માન્યતા આપી હતી.” આ સંયોગ બંને દેશોના અતૂટ બંધનને વધુ મજબૂત બનાવે છે.
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં 1971ના યુદ્ધના નાયક અને યહૂદી મૂળના ભારતીય સૈન્ય અધિકારી લેફ્ટનન્ટ જનરલ જે.એફ.આર. જેકબના યોગદાનને યાદ કર્યું હતું. તેમણે કહ્યું કે, “નિવૃત્તિ બાદ મેં અનેકવાર જેકબ સાથે ચા પર ચર્ચા કરી હતી, જેમાં ભારત અને ઈઝરાયેલના સંબંધો અંગેના તેમના વિઝનનો અનુભવ થયો હતો. લેફ્ટનન્ટ જનરલ જેકબ 1971ના યુદ્ધ દરમિયાન ભારતીય સેનાના ઇસ્ટર્ન કમાન્ડના ચીફ ઓફ સ્ટાફ હતા. તેમણે એવી વ્યૂહરચના બનાવી હતી કે પાકિસ્તાની સેના પાસે આત્મસમર્પણ સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નહોતો.
જેકબે દુશ્મનના મજબૂત કિલ્લાઓ પર સીધો હુમલો કરવાને બદલે તેમને બાયપાસ કરીને મુખ્ય કેન્દ્રો અને સપ્લાય લાઇન કાપી નાખવાની રણનીતિ અપનાવી હતી. તેમની આક્રમક અને સ્માર્ટ વ્યૂહરચનાને કારણે જ દુનિયાના નકશા પર બાંગ્લાદેશ નામના નવા દેશનો ઉદય થયો હતો.
કોલકાતાના યહૂદી સમુદાયમાંથી આવતા જનરલ જેકબ હંમેશા પોતાની જાતને ‘પહેલા ભારતીય સૈનિક’ માનતા હતા. પીએમ મોદી દ્વારા તેમનો ઉલ્લેખ કરવો એ માત્ર ઈતિહાસની યાદ નથી, પરંતુ ભારત અને ઈઝરાયેલ વચ્ચેના સાંસ્કૃતિક અને વ્યૂહાત્મક સંબંધોનું પ્રતીક છે. આજના આધુનિક સંરક્ષણ ભાગીદારીના યુગમાં 1971ની એ જીત અને જેકબનું બલિદાન બંને દેશો માટે ગૌરવ સમાન છે. આ મુલાકાતથી સંરક્ષણ, કૃષિ અને ટેકનોલોજી ક્ષેત્રે ભારત-ઈઝરાયેલની ભાગીદારી એક નવી ઊંચાઈએ પહોંચી છે.
આ પણ વાંચોઃ ઇન્સ્ટાગ્રામ પર પણ પીએમ મોદીનો દબદબો: 10 કરોડ ફોલોઅર્સનો આંકડો પાર કરનાર દુનિયાના પ્રથમ નેતા બન્યા


