
પીએમ મોદી 7 ફેબ્રુઆરીએ પશ્ચિમ બંગાળની મુલાકાતે, 5 હજાર કરોડની આપશે ભેટ
- પીએમ 7 ફેબ્રુઆરીએ પશ્ચિમ બંગાળના પ્રવાસે
- કેન્દ્ર સરકારના ૩ પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્દઘાટન
- શિલાન્યાસ બાદ જાહેર સભાને કરશે સંબોધિત
દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્ર સરકારના ત્રણ પ્રોજેકટ્સનું ઉદ્દઘાટન કરવા માટે 7 ફેબ્રુઆરીએ પશ્ચિમ બંગાળના હલ્દિયા ખાતે પહોંચશે. આ પ્રોજેક્ટ્સના શિલાન્યાસ બાદ વડાપ્રધાન એક મોટી જાહેર સભાને પણ સંબોધિત કરશે.
બંગાળના તમામ ભાજપના કાર્યકર્તા પીએમ મોદીની આ જાહેર સભાની તૈયારીમાં લાગી ચુક્યા છે. હલ્દીયામાં વડાપ્રધાન જે પ્રોજેક્ટ્સનું ઉદ્દઘાટન કરશે, તેની કિંમત આશરે 5000 કરોડ રૂપિયા જણાવાઈ રહી છે. આ પ્રોજેક્ટ્સમાં પેટ્રોલિયમ મંત્રાલયના ત્રણ પ્રોજેક્ટના ઉદ્દઘાટન બાદ વડાપ્રધાન લોકોને સંબોધિત કરશે.
પીએમ મોદીનો આ પ્રવાસ આ કારણે પણ મહત્વનો માનવામાં આવે છે કે, એપ્રિલ-મેમાં પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી યોજાનારી છે. ભાજપે આ ચૂંટણીઓમાં 200થી વધુ બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. 15 દિવસમાં વડાપ્રધાન મોદીનો આ બીજો બંગાળ પ્રવાસ હશે.
આ પહેલા પીએમ મોદી 23 જાન્યુઆરીએ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ પ્રસંગે પશ્ચિમ બંગાળ પહોંચ્યા હતા. પશ્ચિમ બંગાળના હાવડામાં રવિવારની રેલી બાદ પ્રદેશ ભાજપ પ્રમુખ દિલીપ ઘોષે કહ્યું હતું કે, તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા બાદ આજે પણ ઘણા લોકો ભાજપમાં જોડાયા છે,પહેલા લોકો ચિંતા કરતા હતા કે પોલીસ પરેશાન કરશે,પરંતુ હવે લોકો આગળ વધીને ભાજપમાં જોડાઈ રહ્યા છે.ઘોષે કહ્યું કે, અમે દરેક જિલ્લામાં રેલી કાઢીશું.
-દેવાંશી