
પીએમ મોદી 21 મી જૂને 7 મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમને સંબોધિત કરશે
- આવતીકાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
- પીએમ મોદી દેશને કરશે સંબોધિત
- યોગ પ્રેમીઓ ઘર બેઠા કાર્યક્રમમાં લેશે ભાગ
દિલ્હી : કોવિડ-19 મહામારી અને સામૂહિક ગતિવિધિઓ પર લાગુ પ્રતિબંધોને જોતા આ વખતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર આયોજિત થનાર પ્રમુખ કાર્યક્રમ એક ટેલિવિઝનનો કાર્યક્રમ હશે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર આ ટીવી કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન હશે.
આયુષ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદન મુજબ,તમામ દૂરદર્શન ચેનલો પર સવારે 6:30 વાગ્યે શરૂ થનારા આ કાર્યક્રમમાં આયુષ રાજ્યમંત્રી કિરેન રિજિજુનું સંબોધન અને મોરારજી દેસાઈ રાષ્ટ્રીય સંસ્થાના યોગ પ્રદર્શનનું જીવંત પ્રસારણ પણ સામેલ હશે.
નિવેદનમાં કહેવવામાં આવ્યું છે કે, 7 મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એવા સમયે આવ્યો છે જ્યારે વિશ્વ કોવિડ -19 સામે લડી રહ્યું છે પરંતુ મહામારીએ યોગ પ્રત્યેનો ઉત્સાહ ઓછો કર્યો નથી. આ વર્ષના યોગ દિવસની મુખ્ય થીમ ‘ફિટનેસ માટે યોગા’ છે.
મંત્રાલયની અનેક ડિજિટલ પહેલ અને લગભગ 1000 અન્ય હિસ્સેદાર સંસ્થાઓએ મહામારીને કારણે લાદવામાં આવેલા નિયંત્રણો હોવા છતાં યોગની પ્રથાને લોકો માટે સુલભ બનાવી દીધી છે.આ સાથે વિદેશમાં સ્થિત ભારતના મિશન પોતપોતાના દેશોમાં 21 જુન સુધી વિવિધ પ્રવૃત્તિઓનું સંકલન કરી રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિશ્વના 190 દેશોમાં ઉજવવામાં આવશે. લાખો યોગપ્રેમીઓએ તેમના ઘરોથી આ કાર્યક્રમમાં ભાગ લેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. યોગ પ્રદર્શન બાદ વડાપ્રધાન મોદી સવારે 7 વાગ્યાથી 7.45 સુધી સંબોધન કરશે.