
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે હવાઈ માટે અમદાવાદ આવ્યાં હતા. એરપોર્ટ ઉપર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમદાવાદ એરપોર્ટથી પ્રદેશ કાર્યલય કમલમ સુધી ભવ્ય રોડ-શો યોજાયો હતો. રોડ-શોમાં મોટી સંખ્યામાં નેતાઓ- કાર્યકરો અને પ્રજા ઉમટી પડી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કમલમ ખાતે ભાજપના નેતાઓને મળ્યા હતા. તેમજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને અત્યારથી જ કામે લાગી જવા માટે નેતા અને કાર્યકરોને હાકલ કરી હતી.
ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે @BJP4Gujarat ના આગેવાનો તથા કાર્યકર્તાઓને મળવાનું થયું. ભાજપ સંગઠનના માધ્યમથી કેવી રીતે વધુ અસરકારક રીતે લોકોની સેવા કરી શકાય અને રાષ્ટ્રીય વિકાસમાં યોગદાન આપી શકાય તેની ચર્ચા કરી. pic.twitter.com/gtiMwk53GX
— Narendra Modi (@narendramodi) March 11, 2022
દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે, ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે ભાજપના આગેવાનો તથા કાર્યકર્તાઓને મળવાનું થયું. ભાજપ સંગઠનના માધ્યમથી કેવી રીતે વધુ અસરકારક રીતે લોકોની સેવા કરી શકાય અને રાષ્ટ્રીય વિકાસમાં યોગદાન આપી શકાય તેની ચર્ચા કરી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટથી કમલમ પહોંચ્યાં હતા. જ્યાં રાજ્યના ભાજપના નેતાઓ, ધારાસભ્યો અને સાંસદો સાથે બેઠક કરી હતી. બેઠકમાં મોદીએ કહ્યું હતું કે, તમામ લોકોને લાંબા સમય બાદ જોવાનો મોકો મળ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠકમાં ભાજપના નેતાઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હોવાનું જાણવા મળે છે. દરમિયાન ભાજપના નેતા નરહરી અમીને જણાવ્યું હતું કે, વડાપ્રધાન બધાને મળવા માટે કમલમ આવ્યા હતા કોઈ ચૂંટણીલક્ષી કાર્યક્રમ ન હતો. ભાજપના સાંસદ પૂનમ માડમે જણાવ્યું હતું કે, ભાજપ ચૂંટણીલક્ષી બેઠક કરતી હતી. આ બેઠકમાં કાર્યકરોમાં ઉર્જાનો સંચાર કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કમલમમાં ભાજપના નેતાઓને મળ્યા બાદ રાજભવન ગયા હોવાનું જાણવા મળે છે. ભાજપના પ્રદેશ કાર્યાલયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ભાજપના નેતાઓની 30થી વધારે મિનિટ સુધી બેઠક ચાલી રહી હતી.