
સુરતમાં ગેસ લિકેજ દુર્ઘટનામાં પોલીસનો ધમધમાટ, પાંચની અટકાયત
અમદાવાદઃ સુરતમાં ઝેરી કેમિકલ ભરેલુ ટેન્કર લીકેજ થતા 6 શ્રમજીવીઓના મોત થયાં હતા. આ દૂર્ઘટનામાં કેમિકલ ભરેલુ ટેન્કર અંકલેશ્વર જીઆઈડીસીથી આવ્યું ખૂલ્યું હતું. સમગ્ર ઘટનાને પોલીસે ગંભીરતાથી લઈને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. તેમજ અંકલેશ્વર જીઆઈડીસી ખાતેથી પાંચ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. તેમની તપાસમાં અન્ય આરોપીઓના નામ સામે આવે તેવી શકયતા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સચિન જીઆઈડીસીમાં પાર્ક કરેલુ કેમિકલ ભરેલા ટેન્કરમાંથી લીકેજ થયું હતું. આ દૂર્ઘટનામાં 25 વ્યક્તિઓને ઝેરી ગેસની અસર થઈ હતી. તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાયાં હતા. આ દૂર્ઘટનામાં છ વ્યક્તિઓના મોત થયાં હતા. ચાર શ્રમજીવીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. સમગ્ર ઘટનાની સરકારે પણ ગંભીર નોંધ લીધી હતી. પોલીસે સમગ્ર ઘટનાની ઉંડાણ પૂર્વક તપાસ આરંભી હતી. દરમિયાન ટેન્કર અંકલેશ્વર જીઆઈડીસીથી આવ્યું હતું. જેથી પોલીસે અંકલેશ્વર જીઆઈડીસી સુધી તપાસ લંબાવી હતી. દરમિયાન પાંચ શખ્સોની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ પ્રકરણમાં આગામી દિવસોમાં અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવે તેવી શકયતા છે. પોલીસે ઝેરી ગેસ લીકેજ પ્રકરણમાં ગુનો નોંધીને આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે.