યુપીમાં પોલીસની બંદૂક બોલી: એન્કાઉન્ટરમાં કુખ્યાત ગુનેગાર ઠાર મરાયો
લખનૌ, 5 જાન્યુઆરી 2026: ઉત્તર પ્રદેશના સુલતાનપુર જિલ્લામાં સવારે પોલીસ અને ગુનેગારો વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં એક લાખ રૂપિયાનો ઈનામી કુખ્યાત ગુનેગાર તાલીબ ઉર્ફે આઝમ ઠાર મરાયો છે. પોલીસ અને બદમાશ વચ્ચે થયેલા ગોળીબારમાં તાલીબ ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેનું હોસ્પિટલ લઈ જતી વખતે મોત નીપજ્યું હતું. આ ઓપરેશન સુલતાનપુર અને લખીમપુર ખેરી પોલીસની સંયુક્ત ટીમ દ્વારા પાર પાડવામાં આવ્યું હતું.
ઘટનાની વિગત મુજબ, પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે લખીમપુરનો કુખ્યાત બદમાશ તાલીબ સુલતાનપુરના લંભુઆ કોતવાલી વિસ્તારમાં છુપાયો છે. બાતમીના આધારે પોલીસે દિયરા પુલ પાસે ઘેરાબંધી કરી હતી. એસપી કુંવર અનુપમ સિંહે જણાવ્યું કે, “પોલીસની ઘેરાબંધી જોઈને તાલીબે બચવા માટે પોલીસ ટીમ પર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કર્યું હતું.
પોલીસે સ્વબચાવમાં જવાબી કાર્યવાહી કરી હતી, જેમાં બદમાશને ગોળી વાગી હતી.” માર્યા ગયેલો ગુનેગાર તાલીબ ઉર્ફે આઝમનો ગુનાહિત ઇતિહાસ અત્યંત ભયાનક હતો. તે લખીમપુર ખેરી જિલ્લાના ફરધાન પોલીસ સ્ટેશન વિસ્તારના ગૌરિયા ગામનો વતની હતો. તેના પર ગેંગરેપ, લૂંટ, હત્યાનો પ્રયાસ સહિતના ગંભીર ગુના નોંધાયેલા હતા. રાજ્યમાં તેના વધતા આતંકને ડામવા માટે પોલીસ તંત્ર દ્વારા તેના પર રૂપિયા 1 લાખનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.
એન્કાઉન્ટર બાદ કોઈપણ અઘટિત ઘટના ન બને તે માટે સુલતાનપુર અને આસપાસના વિસ્તારોમાં વધારાનો પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા હાલમાં એન્કાઉન્ટરના સ્થળેથી પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા. યોગી સરકારના ‘ઝીરો ટોલરન્સ’ અભિગમ હેઠળ ગુનેગારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
આ પણ વાંચોઃ જૂનાગઢઃ માનવભક્ષી સિંહણને બેભાન કરવાનું ઇન્જેક્શન ટ્રેકરને વાગતા મોત


