
અમદાવાદમાં 2.37 લાખ બાળકોને આગામી રવિવારે પોલીયોની રસી આપવામાં આવશે
- અમદાવાદના બાળકોને મળશે પોલીયોની રસી
- 2.37 લાખ બાળકોને મળશે રસી
- આગામી રવિવારે મળશે રસી
અમદાવાદ: તાજેતરમાં જ અમદાવાદ શહેરમાં તથા જિલ્લામાં જન્મેલા બાળકોને પોલીયોની રસી 27 ફેબ્રુઆરીના રોજ મળશે. જિલ્લાના પાંચ વર્ષ સુધીના આશરે 2.37 લાખ બાળકોને પોલીયો પિવડાવાશે. આ માટે 1055 બુથ ઉભા કરાયા છે. એસ.ટી.સ્ટેન્ડ, ટોલટેક્સ સહિતના ૫૩ જાહેર સ્થળના પોઇન્ટો પર પોલીયો અપાશે.
જિલ્લાના તમામ 9 તાલુકાના 466 જેટલા ગામોમાં આગામી રવિવારે 0 થી 5 વર્ષ સુધીના બાળકોને પોલીયોની રસીના બે ટીપા પીવડાવવામાં આવશે. આ અંગે જિલ્લા રસીકરણ અધિકારી ડૉ.ગૌતમ નાયકના જણાવ્યા મુજબ આરોગ્ય અને આંગણવાડીના 4 હજારથી વધુ કર્મચારીઓ આ કામગીરીમાં જોતરાશે. 205 સુપરવાઇજરો મૂકાશે. ઔદ્યોગિક એકમો, ઇંટવાડા, બાંધકામ સ્થળ, ઝૂંપડપટ્ટીઓ, અસ્થાઇ વસાહતમાં રહેતા લોકોને પણ પોલીયો રસીકરણમાં આવરી લેવામાં આવશે.
રવિવારે દરેક ગામમાં પોલીયો રસીકરણ કાર્યક્રમ યોજાશે. આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણતાને આરે છે. પ્રથમ દિવસે જ 85 ટકા કામગીરી કરી દેવાશે. બાકીના ત્રણ દિવસ સુધી ઘરેઘરે ફરીને પોલીયો રસીકરણ વગર રહી ગયેલા બાળકોને પણ રસી અપાશે.