
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓના નિશાના ઉપર રાજકીય નેતાઓઃ એક વર્ષમાં BJPના 12 નેતાની હત્યા
દિલ્હીઃ ધરતી ઉપરના સ્વર્ગ ગણાતા જમ્મુ-કાશ્મીરમાંથી બે વર્ષ અગાઉ કેન્દ્ર સરકારે આર્ટીકલ 370 દૂર કર્યો હતો. જેથી જમ્મુ-કાશ્મીરના કટ્ટરપંથીઓમાં નારાજગી ફેલાઈ હતી. બીજી તરફ આતંકવાદીઓ પણ વધારે સક્રીય થયાં છે. દરમિયાન છેલ્લા એક વર્ષના સમયગાળામાં આતંકવાદીઓએ ભાજપના 12 જેટલા નેતાઓને નિશાન બનવીને હત્યા કરી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજોરી જિલ્લામાં ભાજપના નેતા જસબીર સિંહના નિવાસસ્થાન ઉપર આતંકવાદીઓએ ગ્રેનેડ હુમલો કર્યો હતો. જેમાં ચાર વર્ષના બાળકનું મોત થયું હતું. જ્યારે સાત વ્યક્તિઓ ઘાયલ થયાં હતા. અગાઉ પણ આતંકવાદીઓએ ભાજપ અને પીડીપીના નેતાઓ ઉપર હુમલો કર્યાં હતા. 9મી ઓગસ્ટના રોજ અનંતનાગમાં ભાજપના નેતા અને સરપંચ ગુલામ રસુલ ડાર અને તેમની પત્નીની હત્યા કરવામાં આવી હતી.
આતંકવાદીઓએ તા. 2 જૂનના રોજ ભાજપના કાઉન્સિલર રાકેશ પંડિતની હત્યા કરાઈ હતી. 1લી એપ્રિલના રોજ નૌગામમાં ભાજપના નેતા અનવરખાન ઉપર હુમલો કરાયો હતો. જેમાં તેમનો બચાવ થયો હતો. સોપોરમાં 29મી માર્ચના રોજ સ્થાનિક સ્વરાજ્યની બેઠકમાં આતંકવાદીઓએ હુમલો કરીને ભાજપના નેતાની હત્યા કરાઈ હતી. પુલવામમાં 11મી ડિસેમ્બરના રોજ નેશનલ કોન્ફરન્સના નેતાની હત્યા કરી હતી. 14મી ડિસેમ્બરના રોજ આતંકવાદીઓએ પીડીપીના નેતા ઉપર હુમલો કર્યો હતો. જેમાં તેમનો ચમત્કારિક બચાવ થયો હતો.
કુલગામમાં 19મી ઓક્ટોબરના રોજ ભાજપના 3 નેતા ફિદા હુસેન, ઉમર રાશિદ બેગ અને ઉમર રમજાનની હત્યા કરાઈ હતી. બડગામમાં 9મી ઓગસ્ટના રોજ ભાજપના નેતા અબ્દુલ હમિદની હત્યા કરાઈ હતી. કાજીગુંડમાં 6 ઓગસ્ટના રોજ ભાજપના નેતા અને સરપંચ સજ્જાદની આતંકવાદીઓએ હત્યા કરી હતી. આખરાનામાં 4 ઓગસ્ટના રોજ આતંકવાદી સગઠને ભાજપના પંચાયતના સભ્ય આરિફ અહેમદની ગોળી મારીને હત્યા કરી હતી. આવી જ રીતે 8મી જુલાઈના રોજ ભાજપના નેતા વસીમ બારી, તેમના ભાઈ અને પિતાની આતંકવાદીઓએ હત્યા કરી હતી.