
ઉત્તર ગુજરાતમાં બટાટાના વાવેતરનો પ્રારંભ, ચાલુ વર્ષે ઉત્પાદન વધવાની ખેડૂતોને આશા
અમદાવાદઃ દિવાળી વેકેશન બાદ લાભ મૂહૂર્તમાં રોજગાર ધંધા શરૂ થઇ ચૂક્યા છે. અરવલ્લી જિલ્લામાં બટાટાનું વાવેતર શરૂ થઇ ગયું છે. 14 નવેમ્બરથી 30 નવેમ્બરનો સમયગાળો બટાટાના વાવેતર માટે અનુકુળ માનવામાં આવે છે ત્યારે અરવલ્લી જિલ્લાના ખેડૂતોએ પણ બટાટાના વાવેતરની શુભ શરૂઆત કરી દીધી છે. સમગ્ર ભારતમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના બટાટા પ્રોસેસિંગ એટલે કે, ચિપ્સ બનાવવા માટે ઉત્તમ માનવામાં આવે છે.
અહીંના બટાટા ખૂબ પ્રખ્યાત હોય છે. ત્યારે સારી જાતના બટાટા વાવવા માટે જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો દ્વારા વાવાણી કરવામાં આવી રહી છે. સૌથી વધુ એલ.આર. જાત બટાટા માટે સારી માનવામાં આવતી હોવાનું ખેડૂતોનું માનવું છે.
સો ટકા બટાટાના વાવેતર પૈકી 25 ટકા બટાટા ખાવા માટે તેમજ 75 ટકા બટાટા પ્રોસેસિંગ માટે મોકલવામાં આવે છે. જેનાથી ખેડૂતોને સારૂ વળતર મળી રહે છે. હાલ વાવણીમાં જોતરાયેલા બટાટાના ખેડૂતોનો પાક 90 થી 110 દિવસમાં તૈયાર થઇ જશે. આ વર્ષે પણ બટાટાના સારા ઉત્પાદનની જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોને આશા છે.
ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અને અરવલ્લી ઉપરાંત બનાસકાંઠામાં પણ દર વર્ષે બટાટાનું જંગી વાવેતર થાય છે અને ઉત્તર ગુજરાતના બટાટા માત્ર ગુજરાતમાં જ નહીં સમગ્ર દેશમાં જાણીતા છે. ઉત્તર ગુજરાતના બટાટાથી ચિપ્સ અને વેફર સહિતની વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે. ચાલુ વર્ષે ઉત્તર ગુજરાતમાં બટાટાનું બમ્પર ઉત્પાદન થવાની ખેડૂતોએ આશા વ્યક્ત કરી છે. હાલ ઉત્તર ગુજરાતના ખેડૂતો બટાટાના વાવેતરમાં જોતરાયાં છે.