
ગુજરાતમાં 7મી જુનથી પ્રિ-મોન્સુન એક્ટિવિટીનો પ્રારંભ થશે, હજુ બે-ત્રણ દિવસ અસહ્ય ગરમી રહેશે
અમદાવાદઃ દક્ષિણ ભારતમાં કેરળમાં બે દિવસ પહેલા જ વાજતે-ગાજતે ચોમાસું આગમન થયા બાદ ચોમાસું આગળ વધી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં 7મી જુનથી પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ જશે. અને 15 જુન બાદ ગુજરાતમાં મેધરાજાનું વિધિવત આગમન થઈ જશે. હાલ રાજ્યમાં તાપમાન 40થી 42 ડિગ્રીની આસપાસ નોંધાય રહ્યું છે. હજુ બે-ત્રણ દિવસ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. ત્યાર બાદ ગરમીમાં ઘટાડો થશે. એવું હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું છે.
રાજ્યના હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં અમદાવાદ 15મી જુન બાદ ચોમાસાનું વિધિવત આગમન થઈ જશે. જૂનના બીજા અઠવાડિયાથી અમદાવાદ સહિત રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે, તેમજ 15 જૂન સુધીમાં ચોમાસું સક્રિય થઈ જશે. જૂનના બીજા અઠવાડિયા દરમિયાન કેટલાંક વિસ્તારોમાં હિટવેવ રહી શકે છે. જૂનના પ્રથમ અઠવાડિયામાં અમદાવાદમાં ગરમીનો પારો 38થી 40 ડિગ્રી વચ્ચે રહેવાની સાથે અરબી સમુદ્ર તરફથી આવતાં દક્ષિણ-પશ્ચિમના ભેજવાળા પવનોને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે, જેને કારણે લઘુતમ તાપમાનમાં વધારો થવાથી બફારાનું પ્રમાણ વધવાની શક્યતા છે. પરંતુ, બીજા અઠવાડિયાથી ગરમીનો પારો 1થી 2 ડિગ્રી વધીને 42 ડિગ્રી સુધી પહોંચી જતાં એકથી બે દિવસ હિટવેવ રહી શકે છે. જો કે, જૂનના બીજા અઠવાડિયાથી પ્રી-મોન્સુન એેક્ટિવિટી શરૂ થવાથી ગરમી અને બફારામાં ક્રમશ ઘટાડો થશે. જો કે, આ દરમિયાન કોઇ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે તો મહત્તમ તાપમાન ઘટી શકે છે.
હવામાન વિભાગના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં પશ્ચિમથી દક્ષિણ-પશ્ચિમના પવનોને લીધે અમદાવાદમાં ગરમીનો પારો ઘટ્યો છે. તેમજ જૂનના પ્રથમ અઠવાડિયા દરમિયાન પારો 38થી 40 ડિગ્રી વચ્ચે રહેશે. પરંતુ, બીજા અઠવાડિયા દરમિયાન પવનની દિશા બદલાઇને રાજસ્થાન તરફથી આવતાં ઉત્તર-પશ્ચિમના સુકા ગરમ પવનોથી અમદાવાદ સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં મહત્તમ અને લઘુતમ તાપમાન ઉંચકાવાથી ગરમી વધશે. જુનના ત્રીજા અને ચોથા અઠવાડિયા દરમિયાન સામાન્યથી વધુ વરસાદ પડશે. તેમાંય ખાસ કરીને રાજ્યના સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ પડવાની શક્યતા છે.