
ગાંધીનગર-અમદાવાદ વચ્ચે બે મહિનામાં મેટ્રો ટ્રેન દોડતી થશે, કેબલ બ્રિજનું લોડ ટેસ્ટીંગ કરાયુ
ગાંધીનગરઃ અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલ સેવા બે મહિનામાં દોડતી થઈ જશે. મેટ્રોનું મોટા ભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે. હાલ ગીફ્ટસિટીથી નેશનલ લો યુનિવર્સિટી સુધી ટ્રાયલ રન ચાલી રહ્યો છે. તેમજ સાબરમતી પરના ગિફ્ટસિટી પાસેનો પુલ તથા સુઘડ પાસે નર્મદા કેનાલ પરનો કેબલ સ્ટેડ બ્રિજ ઉપર લોટ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નર્મદા કેનાલ પુલ ઉપર જરૂરી વજન સાથે ચાર ટ્રેન એક સાથે મુકી લોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતુ.
ગાંધીનગરના સેક્ટર-1 સુધીના 16 કિલોમીટર રૂટ અને જીએનએલયુથી પીડીપીયુ થઈ ગિફ્ટ સિટી સુધીના 5 કિમી રૂટની મેટ્રો ટ્રેનની કામગીરી પૂરી થતાં ટ્રાયલ ચાલી રહ્યો છે, તેમજ સુઘડમાં નર્મદા કેનાલ બ્રિજ પર કુલ 970 ટન વજન સાથે બ્રિજનો લોડ ટેસ્ટ કરાયો હતો. આ પહેલો કેબલ બ્રિજ હશે, જેની પર મેટ્રો ટ્રેન દોડશે. બ્રિજની મજબૂતાઈ તપાસવા પેસેન્જરોથી ખીચોખીચ હોય તેવી રીતે પથ્થર, માટી, સિમેન્ટ સહિતની કુલ 65 ટન વજન સામગ્રીઓ ભરેલી એક એવી ચાર ટ્રેન 24 કલાક સુધી બ્રિજ પર ઊભી રખાઈ હતી. જૂન-જુલાઈ દરમિયાાન આ 21 કિલોમીટર રૂટનું કમિશનર ઓફ મેટ્રો રેલ સેફ્ટી (સીએમઆરએસ) દ્વારા ટ્રેક, સિગ્નલ સિસ્ટમ, કોચ તેમ જ સ્ટેશનનું ઇન્સ્પેક્શન કરાશે, જેમાં જરૂરી સુધારા વધારા બાદ મંજૂરી મળતા આ રૂટ પર 15 ઓગસ્ટ સુધીમાં મેટ્રોનું સંચાલન શરૂ કરી દેવાશે. નર્મદા કેનાલ પર ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (જીએમઆરસી) દ્વારા એક્સ્ટ્રાડોઝ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે.
મેટ્રો રેલ કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ સુઘડમાં નર્મદા કેનાલ બ્રિજ પર કુલ 970 ટન વજન સાથે બ્રિજનો લોડ ટેસ્ટ કરાયો હતો. આ પહેલો કેબલ બ્રિજ હશે, જેની પર મેટ્રો ટ્રેન દોડશે. 120 ટન એક ટ્રેનનું વજન હોય છે, દરેકમાં 65 ટન જેટલી સામગ્રી મુકાઈ 740 ટન ચાર ટ્રેન અને સામગ્રીનું કુલ વજન હતું 230 ટન વધારાનું વજન બ્રિજ પર મૂકી લોડ ટેસ્ટ કરાયો 970 કુલ વજન બ્રિજ પર મૂકી લોડ ટેસ્ટ કરાયો હતો. બ્રિજ પર 303 મીટરનો સ્પાન તૈયાર કરાયો છે. આ એક્સ્ટ્રાડોઝ બ્રિજ પર 145 મીટર લંબાઈનું સેન્ટ્રલ સ્પાન (ગર્ડર) તેમ જ આજુબાજુના બે સ્પાન 79-79 મીટરના છે. આ બ્રિજનો સ્પાન 303 મીટર લાંબો તૈયાર કરવાની સાથે નર્મદા કેનાલમાં 6 પિલર તૈયાર કરાયા છે. પિલર પરના સ્પાનમાં 105 સેગમેન્ટ લગાવાયા છે. તેની સાથે જ બ્રિજમાં 28.1 મીટરની ઊંચાઈના 4 પાયલોન (કેબલના પિલર) તૈયાર કરાયા છે. એ જ રીતે એક પાયલોનમાં 9 કેબલ લગાવવામાં આવ્યા છે.
આ ઉપરાંત અન્ય જગ્યાએ લોડ ટેસ્ટિંગ, બાકીના સ્ટેશનોની કામગારી ઝડપથી પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. અને તે બાદ જૂન મહિનાના અંત સુધીમાં CMRS (કમિશનર ઓફ મેટ્રો રેલ સેફ્ટી)ને ચકાસણી કરવા જાણ કરવામાં આવશે. આ પ્રક્રિયામાં તેમના રીમાર્ક્સ, તેનું કોમ્પ્લાયન્સ પૂર્ણ કર્યા બાદ આખરી મંજૂરી (જે સામાન્યત: ચારથી પાંચ અઠવાડિયાનું હોય છે) મેળવીને જુલાઈ મહિનાના અંત સુધીમાં મેટ્રો ટ્રેન દોડાવવાનું અપેક્ષિત છે.