
દિલ્હી:દેશભરમાં ટામેટાંને લઈને હોબાળો મચી ગયો છે. ઘણા શહેરોમાં ટામેટાની કિંમત 200 રૂપિયા પ્રતિ કિલોની ઉપર પહોંચી ગઈ છે. હવે તેની અસર લોકપ્રિય ફાસ્ટ ફૂડ કંપની મેકડોનાલ્ડ પર પણ પડી છે.કંપનીએ તેના બર્ગરમાંથી ટામેટાં કાઢી નાખ્યા છે. મેકડોનાલ્ડ્સની ભારતની ઉત્તર અને પૂર્વ ફ્રેન્ચાઈઝીએ શુક્રવારે જણાવ્યું હતું કે મોસમી સમસ્યાઓના કારણે કેટલાક સમયથી આવું કરવામાં આવ્યું છે. કંપનીએ કહ્યું છે કે તમામ પ્રયાસો પછી પણ અમે સારી ગુણવત્તાના ટામેટાં મેળવી શક્યા નથી. અમે ઉકેલ શોધી રહ્યા છીએ અને ટૂંક સમયમાં અમારી વસ્તુઓમાં ટામેટાં ઉમેરીશું.
મેકડોનાલ્ડ્સ તરફથી એક નિવેદન જારી કરીને કહેવામાં આવ્યું હતું કે ખાદ્ય ગુણવત્તા અને સલામતીના સર્વોચ્ચ ધોરણો માટે પ્રતિબદ્ધ બ્રાન્ડ તરીકે અમે ગુણવત્તા અને સલામતીની તપાસ પછી જ ઘટકોનો ઉપયોગ કરીએ છીએ. મોસમી સમસ્યાઓના કારણે અને અમારા તમામ પ્રયત્નો છતાં અમે ટામેટાં ખરીદવામાં અસમર્થ છીએ જે અમારી વિશ્વ કક્ષાની ગુણવત્તાની તપાસમાં પાસ થાય.તેથી અમે અમારી કેટલીક રેસ્ટોરન્ટના મેનૂમાંથી ટામેટાં દૂર કરી રહ્યા છીએ. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ એક અસ્થાયી મુદ્દો છે અને અમે અમારા ગ્રાહકોને ખાતરી આપવા માંગીએ છીએ કે અમે તેમને મેનૂમાં પાછા લાવવા માટે તમામ સંભવિત રીતો પર વિચાર કરી રહ્યા છીએ. ખૂબ જ ટૂંક સમયમાં ટમેટા અમારા મેનૂ પર આવશે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં સામાન્ય માણસની થાળીમાંથી ટામેટાં ગાયબ થઈ ગયા છે. તેની કિંમત ઘણી જગ્યાએ 200 રૂપિયાથી ઉપર પહોંચી ગઈ છે. ટામેટાંના ભાવ વધવા પાછળ કમોસમી વરસાદ મુખ્ય કારણ માનવામાં આવે છે. તેની કિંમત ક્યારે ઘટશે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ હવે એ નિશ્ચિત છે કે મેકડોનાલ્ડ્સનો આ નિર્ણય તમારા બર્ગરનો સ્વાદ બગાડશે. જો કે કંપનીનું કહેવું છે કે આ થોડા દિવસોની સમસ્યા છે અને ટામેટાં ટૂંક સમયમાં પરત લાવવામાં આવશે, પરંતુ ક્યારે તે નક્કી નથી.