
પાલનપુરઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી 30 સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવી રહ્યા છે. ત્યારે જિલ્લા કલેક્ટર આનંદ પટેલે જિલ્લાના અધિકારીઓ સાથે કાર્યક્રમની તૈયારીઓ માટે બેઠક યોજી હતી. જેમાં કલેક્ટરએ વિવિધ વિભાગો અને અધિકારીઓને કાર્યક્રમના સુચારૂ આયોજન માટે માર્ગદર્શન આપી સૂચનો કર્યા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં નવરાત્રી દરમિયાન વડાપ્રધાન મોદીની મુલાકાતને લઈને રાજયભરમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અંબાજી મુલાકાતને લઇને વહીવટીતંત્રએ તૈયારીઓ આરંભી દીધી છે. વડાપ્રધાનના કાર્યક્રમને ગરિમાપૂર્ણ બનાવવા માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. વડાપ્રધાનની મુલાકાતને લઇને કલેકટરએ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 30 સપ્ટેમ્બરના રોજ અંબાજી આવવાના છે. જેના પગલે વિવિધ વિભાગો અને અધિકારીઓને કાર્યક્રમના સુચારૂ આયોજન માટે માર્ગદર્શન અપાયું હતું. જેમાં કલેકટરએ કાર્યક્રમ સ્થળે સુશોભન, વીજ પુરવઠો, મહાનુભાવો અને નાગરિકો માટે બેઠક વ્યવસ્થા, વાહનો માટે પાર્કિંગ વ્યવસ્થા, સાફ-સફાઈની કામગીરી, આરોગ્ય વિષયક વ્યવસ્થાઓ, પીવાના પાણીની વ્યવસ્થા સહિતની વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરી હતી
યાત્રાધામ અંબાજીમાં વડાપ્રધાન મોદીના આગમનને લઇને વહીવટી તંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. 30મી સપ્ટેમ્બર વડાપ્રધાન મોદી અંબાજીમાં માતાજીના દર્શન કરશે. બાદમાં વડાપ્રધાન મોદીની ચીખલા ખાતે વિશાળ જંગી સભા યોજાશે. જેને લઈને પ્રથમ વખત વિશાળ જર્મન એલ્યુમિનિયમ હેંગર ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. વિશાળ ડોમની પહોળાઈ 330 ફૂટ અને લંબાઈ 1000 ફૂટ છે. આ વિશાળ ડોમમાં અંદાજીત 35 હજાર લોકો બેસી શકશે. વડાપ્રધાન બન્યા બાદ બીજી વખત મોદી અંબાજી આવી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 સપ્ટેમ્બરે બે દિવસના ગુજરાત પ્રવાસે આવવાના છે. ત્યારે PM મોદી અમદાવાદના GMDC ખાતે નવરાત્રી મહોત્સવમાં હાજરી આપે તેવી શક્યતા છે. પીએમ મોદી નવરાત્રી મહોત્સવમાં અંબાજી માતાની આરતી પણ ઉતારશે.