વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટના લાઈટહાઉસ પ્રોજેક્ટનું બુધવારે ડ્રોન કેમેરાથી નિરિક્ષણ કરશે
રાજકોટઃ દેશના માત્ર 6 નગરોમાં લાઇટહાઉસ આવાસ યોજના કેન્દ્ર સરકારના સહયોગથી મ્યુનિ.કોર્પોરેશનો દ્વારા બનાવવામાં આવી રહી છે, કોરોના સહિતના કારણે ઢીલમાં પડેલા આ પ્રોજેકટની બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડ્રોન કેમેરાથી નિરીક્ષણ કરશે. તેથી રાજકોટના મ્યુનિ. કમિશ્નર અમિત અરોરાએ સ્માર્ટ સીટી નજીક પરશુરામ ધામ નજીક આવેલા આ લાઇટહાઉસ સાઇટની મુલાકાત લીધી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રા બુધવારે રાજકોટ સહિત દેશના છએ નગરના કામનું ઓનલાઇન નિરીક્ષણ કરવાના છે. રાજકોટના મ્યુનિ. કમિશ્નરે મુલાકાત લીધા બાદ જણાવ્યું હતું કે આ 1144 આવાસનું કામ છેલ્લા તબકકામાં છે. ઓગષ્ટના પહેલા અઠવાડિયામાં કામ પૂર્ણ થઇ જશે. આવાસના ડ્રો પણ થઇ ચૂકયા છે. ભારત સરકાર દ્વારા આ લાઇટહાઉસ પ્રોજેકટ વિદેશી ટેકનોલોજીની મદદથી બનાવવામાં આવી રહ્યો છે. જેની સમીક્ષા ખુદ વડાપ્રધાન કરશે. દિલ્હીથી વિડીયો કોન્ફરન્સ મારફત તેઓ આ મીટીંગમાં જોડાવાના છે. તા.6ના બુધવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્માર્ટ સીટી એરિયામાં નિર્માણ પામી રહેલા લાઈટહાઉસ પ્રોજેકટની પ્રગતિનું ડ્રોનથી નિરીક્ષણ કરી સમીક્ષા કરશે. જેના અનુસંધાને મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી હતી. લાઈટહાઉસ પ્રોજેકટ હેઠળ 11 ટાવરમાં કુલ 1144 ફ્લેટ બનાવવામાં આવ્યા છે. જેનું હાલ રંગરોગાન અને ફિનિશીંગનું કામ ચાલુ છે.
રાજકોટના મ્યુનિ. કમિશનરે આ પ્રોજેક્ટનું કામ ચાલુ માસના અંત સુધીમાં પૂર્ણ કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત રૈયા રોડ સાઈડ રોડ લેવલનું ડિફરન્સ દૂર કરવા અને કમ્પાઉન્ડ વોલનું કામ ઝડપી પૂર્ણ કરવા અને આવાસ યોજનાના પ્લોટને અલગ પાડવા માટે અને સેપરેશન વોલનું કામ ઝાડપીથી પૂર્ણ કરવા સૂચના આપી હતી. આ સ્થળ વિઝીટ દરમિયાન નાયબ કમિશનર એ.આર.સિંહ, સીટી એન્જી. એચ. યુ. ડોઢિયા, વાય. કે. ગૌસ્વામી અને કેન્દ્ર સરકારના એન્જી. અભિષેક વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના કાળ અને છેલ્લે સ્ટીલ સિમેન્ટના ભાવમાં થયેલા મોટા વધારાના કારણે પણ કામ અટકયુ હતું. રાજકોટ ઉપરાંત ઇન્દોર, ચેન્નાઇ, રાંચી, અગરતલ્લા અને લખનૌ પણ પણ લાઇટ હાઉસ પ્રોજેકટ ચાલી રહ્યા છે. (FILE PHOTO)
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

