બિપરજોય વાવાઝોડા દરમિયાન કોર્ટ બંધ રાખવાનો પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક જજ નિર્ણય લઈ શકશેઃ હાઈકોર્ટ
અમદાવાદઃ બિપરજોય વાવાઝોડાનો ખતરો ગુજરાત તરફ આગળ વધી રહ્યો છે. દરિયાકાંઠાના જિલ્લાઓમાં તેની સૌથી વધુ અસર દેખાવવાની શરૂ થઈ ચૂકી છે. ત્યારે સમગ્ર રાજ્યમાં ભારે પવન અને વરસાદ વરસી શકે છે. આ શક્યતાઓને જોતા જજ, વકીલ અને પક્ષકારોની તથા કર્મચારીઓની જાન માલની સલામતીને ધ્યાને રાખીને ગુજરાત હાઇકોર્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાત હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ આશિષ જે દેસાઇ દ્વારા તમામ 33 જિલ્લાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક જજને વાવાઝોડા દરમિયાન કોર્ટ બંધ રાખવાની સત્તા આપવામાં આવી છે. જિલ્લાની કોર્ટમાં હજારો લોકો દિવસભર આવતા હોય છે. ત્યારે તે તમામની સલામતીને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લાની તમામ કોર્ટનો તેમાં સમાવેશ થઈ જાય છે.આ ઉપરાંત જિલ્લા સ્થાનિક પ્રશાસન સાથે સંકલન સાધીને નિર્ણય લેવાની સત્તા પણ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, વાવાઝોડા સમયે લોકોને ઘરની બહાર ન નીકળવા રાજ્ય પ્રશાસન દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. ત્યારે હાઇકોર્ટ દ્વારા લેવાયેલા આ નિર્ણયને વકીલો દ્વારા આવકારવામાં આવ્યો છે.
ગુજરાતમાં બીપરજોય વાવાઝોડાની આઠ જિલ્લામાં વધુ અસર થશે, તેવું હવામાન વિભાગની આગાહી છે. ત્યારે પરિસ્થિતિ પ્રમાણે પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજ કોર્ટ બંધ રાખવાનો નિર્ણય લઈ શકશે. રાજ્ય સરકાર દ્વારા પણ વાવાઝોડા સામે બચાવ અને રાહત માટે આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે. અસરગ્રસ્ત જિલ્લાઓમાં શાળા -કોલેજો બંધ રાખવાની સુચના પણ આપવામાં આવી છે. એટલે સંભવિત સ્થિતિ પ્રમાણે જિલ્લાના અધિકારીઓ પોતાની રીતે નિર્ણય લઈ શકશે.